ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોચ જસ્ટિન લેંગરને IPLની આગામી સિઝન માટે લખનૌ સુપરજાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેંગર છેલ્લા કેટલાક સમયથી સુપરજાયન્ટ્સ સાથે ચર્ચામાં હતો. હવે શુક્રવારે, આ ફ્રેન્ચાઇઝીએ લેંગરની નિમણૂકની પુષ્ટિ કરી હતી. લેંગર ભૂતપૂર્વ મુખ્ય કોચ એન્ડી ફ્લાવર પાસેથી કાર્યભાર સંભાળશે. ફ્લાવરનો લખનૌની ટીમ સાથે બે વર્ષનો કરાર હતો. ફ્રેન્ચાઈઝીએ તેને રિન્યુ કરાવ્યું ન હતું. હવે લેંગર કેપ્ટન કેએલ રાહુલ સાથે મળીને ટીમને પ્રથમ વખત ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે.
લેંગરે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે
લેંગર અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમને મે 2018માં ઓસ્ટ્રેલિયાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની દેખરેખ હેઠળ, કાંગારૂઓએ એશિઝ શ્રેણી 4-0થી જીતી હતી. આટલું જ નહીં, ઓસ્ટ્રેલિયન ટીમ લેંગરની દેખરેખમાં 2021માં પ્રથમ વખત T20 ચેમ્પિયન બની હતી. લેંગરના માર્ગદર્શન હેઠળ પર્થ સ્કોર્ચર્સ ટીમ ત્રણ વખત બિગ બેશ લીગ ટાઈટલ જીતી ચુકી છે.
શું કહ્યું લેંગરે ?
મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવા પર લેંગરે કહ્યું, લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ IPLમાં શાનદાર પ્રવાસ પર છે. તે પ્રવાસમાં આપણા બધાની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને હું આગળ વધતી આ ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ સાથેના વિવાદને કારણે આ નિર્ણય લીધો હતો. લેંગરે કહ્યું કે કેટલાક કાયર ખેલાડીઓ ટીમની અંદર તેમનો વિરોધ કરી રહ્યા છે. આ નિવેદન સામે આવ્યા બાદ કેપ્ટન કમિન્સ સહિત સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમે તેનો વિરોધ કર્યો હતો. આ પછી લેંગરને હટાવી દેવામાં આવ્યો હતો.
એન્ડી ફ્લાવર બે સિઝન માટે લખનૌના કોચ હતા
લખનૌની ફ્રેન્ચાઈઝીની રચના 2022માં થઈ હતી. ત્યારથી એન્ડી ફ્લાવર આ ટીમના મુખ્ય કોચ હતા. તેમની દેખરેખ હેઠળ ટીમ સતત બે વર્ષ સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. જો કે, IPL 2022 માં એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 14 રને પરાજય મળ્યો હતો. IPL 2023 માં એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌને 81 રને હરાવ્યું હતું.