વક્ફ કાયદામાં સુધારા માટે JPCની કરી રચનાઃ ઓવૈસી સહિત 31 સાંસદ સામેલ
નવી દિલ્હી, 9 ઓગસ્ટઃ વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી છે. સમિતિમાં ઓવૈસી અને ઇમરાન મસૂદ સહિત 31 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેપીસીમાં 21 સંસદસભ્ય લોકસભાના અને 10 સાંસદ રાજ્યસભાના છે.
નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભામાં ખરડો દાખલ કર્યો હતો. જોકે કોંગ્રેસ સહિત વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ભાજપના સાથીપક્ષો પણ આ ખરડાને કાંતો સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અથવા સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ લઈ જવાની ઈચ્છા ધરાવતા હતા. જેને પગલે લોકસભા અધ્યક્ષે ગઈકાલે જ જેપીસીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
કોંગ્રેસની સરકારોએ બનાવેલા અને વારંવાર ફેરફાર કરીને વક્ફ બોર્ડને અમર્યાદ સત્તાઓ આપી દેનાર વક્ફ કાયદામાં સુધારો કરવા મોદી સરકારે થોડા દિવસ પહેલા સંકેત આપ્યો હતો અને તે અંગેનો સૂચિત મુસદ્દો તમામ સંસદસભ્યોને થોડા દિવસ પહેલાં પહોંચાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે 8 ઓગસ્ટને ગુરુવારે લોકસભામાં સુધારા ખરડો દાખલ કર્યો હતો. જોકે, અપેક્ષા મુજબ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે લઘુમતી કલ્યાણ બાબતોના મંત્રી કિરણ રિજ્જિજુ, જેમણે સુધારા ખરડો દાખલ કર્યો હતો તેમણે વિચારણા માટે જેપીસીમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, પોતે આ માટે જેપીસીની રચના કરશે.
ગઈકાલે ગુરુવારે લોકસભાની કાર્યવાહી પૂરી થયા બાદ એનડીએના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ખરડામાં કશું ખોટું નથી. વક્ફ કાયદામાં સુધારા થાય એ આવશ્યક છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ખરડા અંગે પૂરતી ચર્ચા થાય અને દરેક પક્ષકારોના મનમાં જે આશંકાઓ હોય તે દૂર થાય.
તેને પગલે લોકસભા અધ્યક્ષે આજે જેપીસીની રચના કરી છે. જેપીસીમાં કુલ કેટલા સભ્યો હશે અને કયા ગૃહમાંથી કયા સભ્યોનો સમાવેશ કરવો તેનો નિર્ણય અધ્યક્ષ દ્વારા લેવામાં આવતો હોય છે. તે અનુસાર 31 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમિતિમાં કયા કયા સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો?
લોકસભાના સાંસદો
1. જગદંબિકા પાલ
2. નિશિકાંત દુબે
3. તેજસ્વી સૂર્યા
4. અપરાજિતા સારંગી
5. સંજય જયસ્વાલ
6. દિલીપ સૈકિયા
7. અભિજીત ગંગોપાધ્યાય
8. શ્રીમતી ડી કે અરોરા
9. ગૌરવ ગોગોઈ
10. ઈમરાન મસુદ
11. મોહમ્મદ જાવેદ
12. મૌલાના મોહિબુલ્લા
13. કલ્યાણ બેનરજી
14. એ. રાજા
15. એલ એસ દેવરાયુલુ
16. દિનેશ્વર કામાયત
17. અરવિંદ સાવંત
18. સુરેશ ગોપીનાથ
19. નરેશ ગણપત માસ્કે
20. અરુણ ભારતી
21. અસદુદ્દીન ઓવૈસી
રાજ્યસભાના સાંસદો
1. વૃજલાલ
2. મેઘા વિશ્વામ કુલકર્ણી
3. ગુલામ અલી
4. રાધા મોહનદાસ અગ્રવાલ
5. ડૉ. સૈયદ નસીર હુસૈન
6. મોહમ્મદ નદીમુલ હક
7. વી. વિજય સાઈ રેડ્ડી
8. એમ મોહમ્મદ અબ્દુલ્લા
9. સંજય સિંહ
10. ડૉ. ધર્માસ્થાના વીરેન્દ્ર હેગડે
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાને લઈને UN એ નોંધાવ્યો વિરોધ, કહ્યું…