મોરબીની ઘટના ભૂલી કોંગ્રેસ અને આપ ચૂંટણીમાં જોડાયા, પરિવર્તન યાત્રામાં ભાજપ નેતા કોંગ્રેસમાં જોડાયા
મોરબીની ઘટનાને હજી ગણતરીના જ કલાકો થયા છે ત્યાં એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થઈ છે અને તેમાં ફાગવેલથી યાત્રામાં જોડાયેલા ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને પ્રભાતસિંહને મન દુઃખ થયું હતું.
આ પણ વાંચો : PM મોદીની મોરબી મુલાકાત પહેલાં સિવિલ હોસ્પિટલમાં રંગકામ, વિપક્ષે કહ્યું- આ છે ઢાંકપિછોડો મોડલ
એક તરફ મોરબીની ઘટનામાં હજી લોકોના આંસુ પણ નથી સુકાઈ રહ્યા ત્યારે આ વચ્ચે કોંગ્રેસ અને આપ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. બીજી તરફ કોંગ્રેસ અને આપનો એવો પણ આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રહીને હજી સુધી મોરબીનો પ્રવાસ કર્યો નથી અને તેઓ પોતાની સભામાં જ વ્યસ્ત છે.
આ તરફ પંચમહાલથી ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ચૂંટણી પહેલા જ ભાજપના કદાર નેતા અને પૂર્વ સાંસદ એવા પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં ચૂંટણી જાહેરાતમાં થઈ શકે છે વિલંબ, શું છે મુખ્ય કારણ ?
બીજી તરફ રસપ્રદ ઘટના એ પણ રહી કે, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે તેમના પત્ની રંગેશ્વરી ચૌહાણ વડાપ્રધાન મોદીની સભામાં હતા. જાંબુઘોડામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં રંગેશ્વરી ચૌહાણ ત્યાં હાજર હતા. પ્રભાતસિંહના કોંગ્રેસમાં જવા વિશે પૂછતા તેમણે કહ્યું કે, મને ખબર નથી એ કોંગ્રેસમાં જોડાયા છે પણ હું તો ભાજપમાં જ છું.