ગુજરાતની તમામ 112 SDPO/ACPની કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થશે
- વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વીકશન રેટમાં વધારો કરવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું
ગાંધીનગર, 21 ડિસેમ્બર: ગુજરાતની તમામ 112 SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વીકશન રેટમાં વધારો કરવા અને પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ
સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તારીખ 1લી જુલાઇ, 2024થી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે. જેને ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 112 SDPO(પેટા વિભાગીય પોલીસ અધિકારી)/ACP(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ વડા વિકાસ સહાયએ શું કહ્યું?
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગંભીર ગુનાઓની તપાસમાં જરૂરિયાત
રાજ્યમાં બનતા તમામ પ્રકારના ગંભીર ગુનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જીલ્લાઓમાં SDPO અને શહેરોમાં ACPની હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે SDPO/ACP જ્યારે ગંભીર પ્રકારના ગુનાનું સુપરવિઝન કરતા હોય ત્યારે તેઓ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરતા હોય છે અને તપાસ કરનાર અમલદારને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. તેમની આ જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ હોય તેવા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદ્બઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પીડિતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પહેલના કારણે ગંભીર પ્રકારના ગુનાઓના કન્વીકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે.
ખાસ તાલીમ આપવાનું આયોજન
ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ 112 ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડીજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે.
આ પણ જૂઓ: ગુજરાતમાં 2022થી 2024 સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા