ઉત્તર ગુજરાતગુજરાત

ડેનમાર્કથી આવેલ વિદેશી મહેમાનોએ ગુજરાતની આંગણવાડીની મુલાકાત લીધી, પછી બન્યું ખાસ

કહેવાય છે ને કે, તંદુરસ્ત બાળકો દેશનું ભવિષ્ય છે. આપણી ગુજરાત સરકાર બાળકોની તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરીણામ સ્વરૂપે જ આજે ગુજરાત સરકારની આંગણવાડી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધીને કારણે જ યુરોપના ડેનમાર્કથી મહેમાનો રાધનપુરની આંગણવાડીની મુલાકાતે આવ્યા હતા. ડેનમાર્કના કેરીન, ઇવા, એની, મેટ્ટે અને માયાંતા રાધનપુરની આંગણવાડીની મુલાકાત લઈને તેમજ ભૂલકાઓ સાથે વાતચીત કરીને આનંદિત થઈ ઉઠ્યા હતા. ડેનમાર્કના આ મહેમાનોને ગુજરાતની રાધનપુરની આંગણવાડી નાના ભૂલકાઓ માટે સારુ કામ કરી છે તેવી માહિતી મળી તેથી તેઓ તુરંત જ પાટણ જિલ્લાના રાધનપુર ઘટકના સેજો – બંધવડ કેન્દ્ર, મેમદાવાડ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા.

રાધપુર આંગણવાળી -HUMDEKHENGENEWS

ડેનમાર્કથી આવેલા મહેમાનોએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી

આપણા દેશમાં અતિથી દેવો ભવની વિભાવનાને માન્ય ગણવામાં આવે છે. તેથી જો મહેમાન ઘર આંગણે પધાર્યા હોય તો તેઓની આગતા-સ્વાગતામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદેશી મહેમાન કેરીન, ઇવા, એની, મેટ્ટે અને માયાંતાનું પણ રાધનપુરની આંગણવાડીમાં સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનો જ્યારે આંગણવાડીમાં પધાર્યા ત્યારે આંગણવાડી કાર્યકર રબારી બબીબેન કેન્દ્રના 35 બાળકોને બાળગીત સંભળાવી રહ્યા હતા. મહેમાનો પણ બાળ અભિનય ગીતમાં સહભાગી બન્યા હતા. ત્યારબાદ મહેમાનોએ બાળકો જોડે હળવી કસરત કરી હતી. ડેનમાર્કથી આવેલા મહેમાનો આંગણવાડીના ભૂલકાઓ સાથે બાળક બનીને દરેક પ્રવૃતિઓમાં જોડાયા હતા.

રાધપુર આંગણવાળી -HUMDEKHENGENEWS

મહેમાનોએ આંગણવાડીની કામગીરીને વખાણી

ડેનમાર્કથી આવેલા મહેમાનોએ આંગણવાડીના કાર્યકર બબીબેન રબારી સાથે વાતચીત કરી હતી. બબીબેને તેઓને આંગણવાડીમાં બાળકો માટે કરવામાં આવતી પ્રવુતિઓથી માહિતગાર કર્યા હતા. બબીબેને જણાવ્યું હતું કે,આંગણવાડીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. આંગણવાડીમાં ભૂલકાઓ માટે જે કાર્યો કરવામાં આવે છે તે જોઈને વિદેશી મહેમાનો ખૂબ જ ખુશ થયા હતાં અને તેઓએ આંગણવાડીની કામગીરીને વખાણી હતી. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે ગ્રોથચાર્ટ, રંગવજન રજીસ્ટર, પૂરક આહાર રજીસ્ટર, જન્મ મુત્યુ રજીસ્ટર, સર્વ રજીસ્ટર વગેરે કાર્યો આંગણવાડી કાર્યકર બબીબેન રબારી દ્વારા નિભાવવામાં આવે છે.

રાધપુર આંગણવાળી -HUMDEKHENGENEWS

સેનીટેશન તેમજ સ્ટોર રૂમની મુલાકાત પણ લીધી

બબીબેને આ કામ વિશેની સંપૂર્ણ માહિતી વિદેશી મહેમાનોને આપી હતી. બબીબેને જણાવ્યું હતુ કે, આંગણવાડીમાં લાભાર્થીઓને THR (બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ) ના પેકેટ પણ આપવામાં આવે છે. રાધનપુરની મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા ડેનમાર્કના મહેમાનોએ સેનીટેશન તેમજ સ્ટોર રૂમની મુલાકાત પણ લીધી હતી.

રાધપુર આંગણવાળી -HUMDEKHENGENEWS

ICDS અધિકારી ગૌરીબેન સોલંકીએ કહી આ વાત

આ પ્રસંગે ICDS અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા અમારા વિદેશી મહેમાનોને હું દિલથી આવકારૂ છુ. આંગણવાડીમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કામ થઈ રહ્યુ છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકો માટે પ્રિ-સ્કૂલને પ્રાધાન્ય આપવાના પ્રયાસ સાથે તેઓ ઉમદા નાગરિક બને તે માટે આંગણવાડીમાંથી જ ઘડતર સાથે ગમ્મતલક્ષી જ્ઞાન આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, દરેક બાળકને પોષણક્ષમ આહાર મળે, અને દરેક બાળકને સારુ શિક્ષણ મળી રહે. આ પ્રયાસને ધ્યાનમાં રાખીને અમે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ બાળકો માટે આ રીતે જ કાર્યો કરતા રહીશું.

આ પણ વાંચો : OBC કમિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, જાણો શું આદેશ આપ્યા

Back to top button