ભારત જી-20 દેશોનું પ્રમુખપદ અને યજમાનપદ ધરાવે છે જેના ભાગરૂપે દેશના વિવિધ ભાગોએ જી-20 વિવિધ વર્કીંગ ગ્રુપની બેઠક મળી રહી છે જેના ભાગરૂપે આજથી કચ્છ-ઘોરડોમાં જી-20 ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠકનો પ્રારંભ થયો છે જેમાં ભાગ લેવા વિવિધ દેશોના મહેમાનો આજે ભુજ વિમાની મથકે પહોંચતા જ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ તેમનું સ્વાગત કર્યુ હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી કિશન રેડ્ડી પહોંચ્યા હતા.
કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રી જી. કિશન રેડ્ડી, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો. ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા. જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી. નૃત્ય બાદ જી-૨૦ના લોગો “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યા હતા જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.
આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને ભોજનમાં પીરસવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવશ્રી અરવિંદસિંઘ, રાજ્યના નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર શ્રી આલોક પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં પીએમ મોદી અને અદાણી પર રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો