હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પવન સાથે પલટો આવતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 27 ડિગ્રી થઈ ગયું હતું. સમગ્ર અમદાવાદમાં અચાનક જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ : અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગો દ્વારા ચાર લોકોને અપાયું નવજીવન
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને દાહોદ અને કચ્છમાં પવન સાથે માવઠુ પડવાની શક્યતા છે. તો કેટલાક શહેરોમાં ઉત્તર પૂર્વીય પવનને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ , છોટાઉદેપુર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્ર નગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કે 30 થી 40 કિમી ની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 16 અને 17 માર્ચે પણ વરસાદ થવાની શક્યતા છે.રાજયભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં આવેલા ગીરિ મથક સાપુતારામાં ફાગણ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટા ભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતિત થયા હતા.