હીટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી, આ બાબતોનું ધ્યાન રાખવા હવામાન વિભાગની સલાહ
- હીટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી
- હવામાન વિભાગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા આપી સલાહ
- માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની સલાહ
રાજ્યના વાતાવરણમાં આ વખતે સતત પલટા આવી રહ્યા છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદે આ વખતે ખેડૂતોને રોવડાવ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટૂ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હજુ પણ કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લેતો. હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે કેટલીક જગ્યાએ આકરી ગરમી પડવાની પણ આગાહી કરવામા આવી છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે લોકોને કેટલીક બાબતોની કાળજી રાખવા માટે સલાહ આપી છે.
હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના સાથે માવઠાની આગાહી પણ કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ વાતાવરણ સુકુ રહ્યા બાદ કમોસમી વરસાદ વરસી શકે છે. બે દિવસ ગરમી રહ્યા બાદ 26 અને 27 તારીખે માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.
માવઠા દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
હવામાન વિભાગ દ્વારા વરસાદ દરમિયાન ભારે પવન સાથે ઝાડ, કાચા મકાન અને પાકને નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામા આવી છે. જેથી કાચા રહેણાંક મકાનોને નુકસાન થઈ શકે છે. તેમજ જો કોઈ હળવી વસ્તુઓ છે તે ખુલ્લી પડી હશે તો પવન સાથે ઉડવાની પણ શક્યતાઓ પણ રહેલી છે.હવામાન વિભાગે માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની અને બારી-બારણાં બંધ રાખવાની સલાહ આપી છે. અને વરસાદ દરમિયાન કોઈએ ઝાડ નીચે પણ ન ઉભા રહેવા સલાહ આપી છે.
કરંટ લાગે તેવી વસ્તુઓથી દુર રહેવું
હવામાન વિભાગે વરસાદ દરમિયાન વીજળીના થાંભલા તેમજ જાહેરમાં રહેલા વીજળીના તારની આસપાસ ના ઉભા રહેવાની સલાહ આપી છે. અને કોંક્રેટવાળી જમીન તથા દિવાલની નજીક પણ ના ઉભા રહેવા સુચન કર્યું છે. માવઠા દરમિયાન ઘરમાં વીજળીના ઉપકરણોનો ઉપયોગ ટાળવા,પાણી ભરેલું હોય તેવી જગ્યાઓ પરથી તાત્કાલિક બહાર નિકળવા અને વીજળીથી સંચાલિત સાધનોથી દૂર રહેવા સલાહ આપી છે.
વરસાદ દરમિયાન પોતાના ઘરમાં જ રહો
પાછલા દિવસોમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની રાજ્યમા 4 લોકોના મોત થયા હતા. ત્યારે હવામાન વિભાગે વરસાદ દરમિયાન પોતાના ઘરમાંજ રહેવાની સલાહ આપી છે. તેમજ રાજ્યમાં તાપમાનનો મહત્તમ પારો 40ને પાર જઈને 43 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હીટવેવ દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબત
હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં આજે કચ્છના કેટલાક ભાગોમાં હિટવેવ રહેવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. ત્યારે આ દરમિયાન તાજેતરમાં જન્મેલા બાળકો તથા ઘરડી વ્યક્તિની ખાસ સંભાળ રાખવાની સલાહ હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને હિટવેવ દરમિયાન બપોરના સમયે કાળજી રાખવાની સલાહ આપવામા આવી છે. તેમજ આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવા હવામાન વિભાગે જણાવ્યું છે. 1. બને ત્યા સુધી સીધા તડકામા નજવું, 2.હળવા, આછા રંગના અને સુતરાઉના કપડા પહેરવા, 3 જો કોઈ કારણસર તમારે સીધી તડકામા જવાનુ થાય તો માથું ઢાંકેલું રાખવું, ટોપી રહેરવી અથવા છત્રીનો ઉપયોગ કરવો.
આ પણ વાંચો : ભાવનગર ડમીકાંડ – તોડ પ્રકરણમાં વધુ બેની ધરપકડ કરાઈ, 6 દિવસના રિમાન્ડ મંજૂર