ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
- પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
- છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ આવ્યો
- ભાવનગરના મહુવા, ધ્રોલ, ઉમરગામમાં 2.25 ઇંચ વરસાદ આવ્યો
ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ આવ્યો
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ, ધ્રોલમાં 2.5 ઇંચ, ઉમરગામમાં 2.25 ઇંચ, કામરેજમાં 2 ઇંચ, વાગરામાં 2 ઇંચ, આણંદમાં 2 ઇંચ, માળીયા હાટીમાં 2 ઇંચ તથા મેંદરડામાં 2 ઇંચ, બોરસદમાં 2 ઇંચ વરસાદ અને વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ સાથે ગોધરા, રાજકોટ, જલાલપોરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
ગુજરાતમાં છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.