ટોપ ન્યૂઝવર્લ્ડ

યુદ્ધવિરામ પછી પ્રથમ વખત હમાસે 12 થાઈ નાગરિકો સહિત 13 બંધકોને કર્યા મુક્ત

Text To Speech

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 49માં દિવસે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા છે. જેમાંથી 12 બંધકો થાઈલેન્ડના છે. થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થવીસીને આ વાતની પુષ્ટિ કરી છે. હમાસે ગાઝામાંથી આ 13 બંધકોને મુક્ત કર્યા છે. આ બંધકોને લેવા દૂતાવાસના અધિકારીઓ ટૂંક સમયમાં પહોંચવાના છે. આ મુક્ત કરાયેલા બંધકોના નામ અને અન્ય માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થવિસિને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સુરક્ષા વિભાગ અને ગૃહ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 12 થાઈ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમના નામ અને અન્ય માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

સંમતિમાં બીજું શું શામેલ છે?

યુદ્ધ વિરામના કરારના સંદર્ભમાં, હમાસનો દાવો છે કે ઇઝરાયેલ દક્ષિણ ગાઝામાં હવાઈ ઉડ્ડયન બંધ કરશે અને ઉત્તરીય વિસ્તારમાં દિવસના છ કલાક માટે જ તેનું સંચાલન કરશે. કરારમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન ઈઝરાયેલની સેના ગાઝામાં સૈન્ય વાહનો નહીં લાવે અને ન તો કોઈની અટકાયત કરવાનો પ્રયાસ કરશે.

અગાઉ 50 બંધકોને મુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી

અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે હમાસ યુદ્ધવિરામ કરાર હેઠળ ગુરુવારે 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઝાચી હાનેગ્બીએ બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંધકોની મુક્તિ અંગેની ચર્ચાઓ ચાલુ હતી અને સમજૂતીના અમલીકરણમાં શુક્રવાર સુધી વિલંબ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોના બદલામાં ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન નાગરિકોની મુક્તિ માટેની સમજૂતી છેલ્લી ક્ષણે લાગુ થઈ શકી નથી. આ કારણે યુદ્ધવિરામમાં એક દિવસનો વિલંબ થયો હતો. ઇઝરાયેલના સૈન્યના ડેટા અનુસાર, હમાસ ગાઝામાં 239 લોકોને બંધક બનાવી રહ્યું છે, જેમાં 26 દેશોના વિદેશી નાગરિકો પણ સામેલ છે.

ગાઝામાં 13,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા

હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની વિગતવાર ગણતરી ફરી શરૂ કરી છે અને 13,000 થી વધુ મૃત્યુ નોંધ્યા છે. ઉત્તરી ગાઝામાં ટ્રાફિક અને સંદેશાવ્યવહાર બંધ થયા બાદ મંત્રાલયે 11 નવેમ્બરના રોજ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું હતું. નવીનતમ આંકડા દક્ષિણ અને ઉત્તરની હોસ્પિટલોના 11 નવેમ્બરના ડેટા પર આધારિત છે. વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. અહીં 6,000 અન્ય લોકો ગુમ છે અને કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

Back to top button