દારુ બંધીઃ ગુજરાતમાં પહેલી વખત વિમાન મારફતે દારુની હેરાફેરી
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આમ તો દારુ બંધી છે. પરંતુ એનકેન પ્રકારે રાજ્યમાં દારુ પ્રવેશે છે. પરંતુ પહેલી વખત વિમાન મારફતે દારુની હેરાફેરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. એરપોર્ટમાંથી તો દારુ બહાર આવી ગયો પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો. જોકે આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે, છેલ્લા 6 મહિનામાં 6 વખત દારુ વિમાનમાં ગોવાથી અમદાવાદ સુધી આવ્યો છે. ત્યારે પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ચિરાગ ઉર્ફે ચીકુ પરમાર છે. જે અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં વસવાટ કરે છે. અને ઈન્ડીગો કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 26 તારીખે સાંજે ઝોન 7 એલસીબીને બાતમી મળી હતી, કે એરપોર્ટથી આવી રહેલા એક યુવક પાસે દારુનો જથ્થો છે. જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 48 બિયરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી આ દારુનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને તેના મિત્રો અને પરિવારને દારૂ સપ્લાય કરતો હતો. ચિરાગ ઉર્ફે ચીકુ પરમાર ઈન્ડીગોમાં સિક્યુરીટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને અવારનવાર તે ફ્લાઈટમાં ગોવા જતો હતો. છેલ્લા 6 મહિનામાં તે 6 વખત ગોવા ગયો છે. અને ત્યાંથી દારુ નો જથ્થો અમદાવાદ લાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, સિક્યુરીટી મેનેજર હોવાથી તેનો લગેજ ચેક થતો ન હતો.અને માટે જ તે દારુ સપ્લાય કરતો હોવાનુ સામે આવ્યુ છે.
મહ્ત્વની વાત એ છે કે, દારુની હેરાફેરી માટે વપરાતુ વાહન પોલીસ કાયદાકીય પ્રક્રિયા પ્રામાણે કબ્જે કરે છે. પરંતુ આ વખતે દારુની હેરાફેરી વિમાન મારફતે થઈ છે. ત્યારે પોલીસ બેડામાં ચર્ચા છે કે કાયદાકિય રીતે વિમાન કબ્જે કરી શકાય કે કેમ? અને આરોપીની પુછપરછમાં અન્ય શું નવી હકિકત સામે આવે છે તે જોવુ મહ્ત્વનુ છે.