ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં નવા ફોજદારી કાયદા હેઠળ પ્રથમ વખત જુગારીઓને જામીન ન મળ્યા

Text To Speech
  • એલસીબી ઝોન 1ની ટીમે ઘોડીપાસાની જુગાર ઝડપી હતી
  • ગુજસીટોકના ગુનામાં પખવાડિયાથી છૂટેલા આરોપીએ શરૂ કરી હતી ક્લબ
  • 8 પૈકી એકપણ આરોપીને ઓન ટેબલ જામીન ન મળતા ખળભળાટ

રાજકોટ, 26 જુલાઈ : રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે ગુરુવારે એક ઘોડીપાસાની જુગાર ક્લબ ઝડપી લેવામાં આવી હતી. જેના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આ ક્લબમાંથી ઝડપાયેલા શખસો સામે નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે એકપણ આરોપીને આ કાયદા હેઠળ ઓન ટેબલ જામીન મળી શક્યા ન હતા. કોર્ટે તમામને જેલ હવાલે કર્યા હતા. આ રીતે જામીન ન મળવા તે ગુજરાતના ઇતિહાસમાં નવા કાયદા પછી પ્રથમ વખત બન્યું છે.

12 દિવસથી છુટેલો કુખ્યાત આરોપી ચલાવતો હતો ક્લબ

મળતી માહિતી મુજબ, એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ.સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને ગુજસીટોકના ગુનામાં જામીન પર છુટેલો એજાજ ઉર્ફે ટકો બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે જાહેરમાં ઘોડીપાસાની કલબ ચલાવે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ભીસ્તીવાડના એજાજ ઉર્ફે ટકો અકબર ખીયાણી સહિત 8 શખસોની ધરપકડ કરી હતી.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

દરમિયાન આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જુગાર જેવા ગુનામાં આરોપીઓને ઓન ટેબલ જામીન મળી જતા હોય છે પણ અહીંયા પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધ્યાને રાખી નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના પગલે કોર્ટે પણ તેઓની જામીન અરજી નામંજૂર કરી દેતા તમામને જેલ હવાલે કરાયા હતા.

Back to top button