અમદાવાદગુજરાતટ્રેન્ડિંગવિશેષ

૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસે સૌપ્રથમ વાર યોજાશે કલાકારોની રેલી

Text To Speech

અમદાવાદ, 22 માર્ચ 2024: વિશ્વ રંગભૂમિ દિવસે એટલે કે 27મી માર્ચે ‘સંસ્કાર ભારતી’ ગુજરાત પ્રાંત અને કર્ણાવતી શહેર સંયુક્ત રીતે ગુજરાતભરના દરેક કલા- નાટક, નૃત્ય, ભવાઈ, લેખન, કવિતા, ચિત્રકલા ક્ષેત્રના કલા સાધકો એક સાથે મળીને આ દિવસની ઉજવણી કરી શકે તે માટે રંગયાત્રાનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કલાક્ષેત્રને સમર્પિત સંસ્થા દ્વારા આ આયોજન એટલા માટે પણ ખાસ છે કારણ કે આજ સુધીના ઇતિહાસમાં દરેક ક્ષેત્રના કલાકારો એકસાથે ભેગા મળીને કોઈ ઉત્સવની ઉજવણી કર્યું હોય તેવું થયું નથી.

આ દિવસના આયોજન વિશે HD News સાથે વાત કરતાં સંસ્કાર ભારતી કર્ણાવતી જિલ્લા સમિતિના અધ્યક્ષ કમલેશ ઉદાસી અને મહામંત્રી મનીષ પાટડિયા જણાવે છે કે “આવું આયોજન ભૂતકાળમાં ક્યારેય થયું નથી. તમે જન રેલી તો ઘણી જોઈ હશે પણ આજદિન સુધી એક પણ જન રેલીમાં માત્ર કલાકારોએ જોડાયા હોય તેવું બન્યું નથી. ” આ રેલી એ પોતાનામાં જ એક નવો ઇતિહાસ સર્જશે કે જેમાં એકસાથે સંગઠિત થઈને ગુજરાતના તમામ કલાકારો ભગવાન નટરાજ અને નાટ્યશાસ્ત્રના રચયિતા ‘ભરતમુનિ‘ની ઉપાસના કરશે.

આ રેલીનું આયોજન વિશ્વ રંગભૂમિ દિવસે કરવામાં આવશે, આની પાછળનો આશય માત્ર એટલો જ છે કે ગુજરાતનાં તમામ વિધા સાથે જોડાયેલા દિગ્ગજો અને નાનામાં નાનો કલાકાર પણ સાથે મળીને તેની ઉજવણી કરે.

આ રેલીનો પ્રારંભ 27મીએ સવારે 9 વાગ્યે અમદાવાદ શહેરના લૉ-ગાર્ડન સ્થિત ‘રવિશંકર કલા ભવન’ ખાતેથી થશે અને સમાપન પણ રવિશંકર કલા ભવને જ થશે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલીમાં માત્ર કલાકારો જ નહીં પરંતુ હાથી ઉપર મહર્ષિ ભરતમુનિ નાટ્ય શાસ્ત્ર લઈને બેઠાં હશે. આ યાત્રામાં ઊંટ, બળદ ગાડાં સાથે ગુજરાતનાં જાણીતા ગરબા ગ્રુપો પણ પદયાત્રામાં ગરબે ઘુમતા જોવા મળશે તો રેલીની સાથે રંગભૂમિના ગીતો પણ ગવાશે અને ભવાઈ પણ ભજવાશે. આ સંપૂર્ણ કાર્યક્રમની પરીકલ્પના જાણીતા નાટ્યકાર અને સંસ્કાર ભારતી કર્ણાવતીના મહામંત્રી મનીષ પાટડિયાની છે.

આ રેલીમાં ગુજરાતભરમાંથી દરેક કલાકારને હાજર રહેવા આમંત્રણ છે અને તેઓ એવી આશા રાખી રહ્યા છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈથી પણ નાટક અને ફિલ્મ જગત સાથે જોડાયેલ હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા ખાસ ઉપસ્થિત રહેશે.

Back to top button