આઝાદી પછી પહેલીવાર આ 24 ગામમાં નહીં થાય મતદાન, જાણો શું છે કારણ
- ઉત્તરાખંડના ત્રણ લાખથી વધુ લોકો રોજગાર માટે ગામ છોડી ગયા
- રાજ્યની 2067 ગ્રામ પંચાયતોમાં કાયમી સ્થળાંતર થયું
ઉત્તરાખંડ, 7 એપ્રિલ: ભારતની આઝાદી પછી દેશમાં યોજાયેલી 16 લોકસભા ચૂંટણીઓમાં ભાગ લેનારા 24 ગામો આ વખતેની લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે. ચૂંટણીમાં મતદાન ન કરવાનું કારણ તમને જરુરથી ચોંકાવી દેશે. માઈગ્રેશન કમિશનના રિપોર્ટ અનુસાર ઉત્તરાખંડના આ 24 ગામોને વસવાટ વિહોણા જાહેર કરવામાં આવ્યા છે.
વસવાટ વિહોણા એટલે કે હવે આ ગામોમાં કોઈ રહેતું નથી. આ ગામો અલ્મોડા, ટિહરી, ચંપાવત, પૌરી ગઢવાલ, પિથોરાગઢ અને ચમોલી જિલ્લાના છે. ફેબ્રુઆરી 2023 માં બહાર પાડવામાં આવેલ સ્થળાંતર કમિશનના બીજા અહેવાલ મુજબ 2018 થી 2022 સુધી ઉત્તરાખંડની 6436 ગ્રામ પંચાયતોમાં લોકો કાયમી સ્થળાંતર કરીને રોજગાર માટે ગામ છોડીને જતા રહ્યા છે.
રોજગાર માટે લોકોએ છોડી દીધા પોતાના ગામ
ત્રણ લાખથી વધુ લોકોએ રોજગાર માટે તેમના ગામ છોડી દીધા છે. જો કે, આ લોકો સમયાંતરે ગામમાં આવતા રહે છે. પરંતુ રાજ્યની 2067 ગ્રામ પંચાયતોમાં કાયમી સ્થળાંતર પણ થયું છે. લોકો રોજગાર, શિક્ષણ, આરોગ્યની શોધમાં તેમના ગામ છોડી ગયા અને ક્યારેય પાછા ફર્યા જ નહીં.
લોકો પોતાની જમીનો વેચી, ગામ છોડી ગયા
ઘણા લોકોએ તેમની પૈતૃક જમીનો વેચી દીધી અને ઘણા લોકોએ જમીન પડતી મુકી ચાલ્યો ગયા. અલમોડા જિલ્લામાં કાયમી સ્થળાંતરને કારણે મહત્તમ 80 ગ્રામ પંચાયતો વેરાન બની ગઈ છે. કમિશનના આ રિપોર્ટમાં સૌથી મહત્વની હકીકત એ છે કે 2018 થી 2022 સુધીમાં રાજ્યના 24 ગામો તો સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયા છે.
ખાલી પડેલા ગામોમાં મતદાન મથક જ નહીં મુકાય
ગામ ખાલી કરીને લોકો રોજગાર માટે બીજે વસવાટ કરવા લાગ્યો છે જેના કારણે લોકસભાની ચૂંટણીમાં આ ગામોમાં કોઈ જ ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે પણ નહીં જાય અને ખાલી પડેલા ગામોમાં કોઈ મતદાન મથક પણ નહીં બનાવવામાં આવે.
ગામડાઓમાંથી 28 હજાર મતદારો શહેરમાં રહેવા લાગ્યા
કમિશનના જણાવ્યા અનુસાર, 2018 થી 22 સુધીમાં રાજ્યમાં 2067 ગ્રામ પંચાયતો કે જ્યાં કાયમી સ્થળાંતર થયું છે, તેમાંથી 28531 લોકો જિલ્લા મુખ્યાલય અથવા અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર થયા છે. સ્થળાંતર કરનારાઓમાંથી મહત્તમ 35.47 ટકા નજીકના શહેરોમાં ગયા હતા. જ્યારે 23.61 ટકા લોકો અન્ય જિલ્લામાં અને 21.08 ટકા લોકો રાજ્યની બહાર ગયા છે. આ સિવાય 17.86 લોકો જિલ્લા મુખ્યાલયમાં રહેવા લાગ્યા છે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટે કર્યો મોટો દાવો, ચીન AI દ્વારા ભારતની લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાની તૈયારીમાં