ભારતીય સેનામાં પહેલીવાર કોઈ મહિલાને મળી આટલી મોટી પોસ્ટ, જાણો કોણ છે સાધના સક્સેના નાયર
- લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર 1 ઓગસ્ટથી ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી)નો પદભાર સંભાળશે, આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારા તે પ્રથમ મહિલા હશે
દિલ્હી, 31 જુલાઈ: લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સાના નાયર 1 ઓગસ્ટથી ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી)નો પદભાર સંભાળશે. આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારા તે પ્રથમ મહિલા હશે. અગાઉ, એર માર્શલના હોદ્દા પર પ્રમોટ થયા બાદ હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશકનું પદ સંભાળનાર પ્રથમ મહિલા પણ તેઓ હતાં.
ગયા વર્ષે જ્યારે સાધના સક્સેના નાયરે હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે વાયુસેનાના અધિકારીઓએ કહ્યું હતું કે, “ભારતીય વાયુસેનાના અધિકારી એર માર્શલ સાધના સક્સેના નાયર અસરકારક રીતે માત્ર બીજા મહિલા અધિકારી છે જેઓ તેમની સમગ્ર સેવા કારકિર્દી દરમિયાન એરફોર્સમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપ્યા બાદ એર માર્શલના હોદ્દા પર પહોંચ્યાં છે. ચાર્જ સંભાળતી વખતે એરફોર્સ ચીફ વીઆર ચૌધરી પણ હાજર હતા.
1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત
લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે સેન્ટ મેરી કોન્વેન્ટ, પ્રયાગરાજથી તેમણે શાળાકીય શિક્ષણની શરૂઆત કરી અને લખનૌના લોરેટો કોન્વેન્ટમાંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમણે તેઝપુર, ગોરખપુર, કાનપુર અને ચંદીગઢની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. તેમણે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પૂણેમાંથી વિશિષ્ટ શૈક્ષણિક રેકોર્ડ સાથે સ્નાતક થયા અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત થયા હતા. સાધના નાયર પાસે ફેમિલી મેડિસિન વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી છે. તેમણે એઈમ્સ, નવી દિલ્હી ખાતે મેડિકલ ઈન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે.
વિશિષ્ઠ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે
લેફ્ટનન્ટ જનરલ સાધનાએ સીબીઆરએન (કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર) યુદ્ધ અને લશ્કરી તબીબી નીતિશાસ્ત્રની વિદેશમાં તાલીમ લીધી હતી. તે વેસ્ટર્ન એર કમાન્ડ અને ટ્રેનિંગ કમાન્ડના પ્રથમ અને એકમાત્ર મહિલા ચીફ મેડિકલ ઓફિસર હતાં. સાધનાને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એર સ્ટાફના વડા અને એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરફથી પણ પ્રશંસા મળી છે.
આ પણ વાંચો: કોણ છે પ્રીતિ સુદન, જેમને UPSCની કમાન સોંપવામાં આવી છે?