ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ સહિત 8 કોર્પોરેશનના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. 50 કરોડની ફાળવણી

Text To Speech

રાજ્યના વિકાસ માટે હંમેશા તત્પર રહેતી સરકાર દ્વારા આજે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. ૧૮.પ૩ કરોડ, સુરતને રૂ. ૧પ.૧ર કરોડ, વડોદરાને રૂ. પ.૬૭ કરોડ, રાજકોટને રૂ. ૪.૪૮ કરોડ, ભાવનગરને રૂ. ર.૦૯ કરોડ તેમજ જામનગરને રૂ. ૧.૯૮ કરોડ અને જૂનાગઢને રૂ. ૧.૦૪ કરોડ તેમજ ગાંધીનગરને રૂ. ૧.૦૭ કરોડની રકમનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી દરખાસ્ત

રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૬૩૭.પ૦ કરોડ ફાળવ્યા

રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૬૩૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. પ૪૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.

Back to top button