નવી દિલ્હી, 30 માર્ચ : ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિના સભ્ય દીપક શર્માની ગોવા પોલીસે મહિલા ખેલાડીઓ પર હુમલાના કેસમાં ધરપકડ કરી છે. પીટીઆઈના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. શનિવારે, રમત મંત્રાલયે કડકતા બતાવી અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) ને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી હતી.
ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કડકાઈ દાખવી
મહત્વનું છે કે, બે મહિલા ખેલાડીઓએ ગોવામાં ચાલી રહેલી ઇન્ડિયન વુમન્સ લીગ દરમિયાન નશાની હાલતમાં AIFF સભ્ય પર શારીરિક ઉત્પીડન અને હિંસાનો આરોપ લગાવ્યો હતો. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે કડકતા દાખવી હતી અને AIFFને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ગોવામાં ચાલી રહેલી ઇન્ડિયન વુમન્સ લીગ દરમિયાન મહિલા ફૂટબોલરો પર તેમના કોચ દ્વારા કથિત શારીરિક હુમલાને ગંભીરતાથી લીધો છે. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનને આ અંગે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું બાબત છે ?
મીડિયા અહેવાલો અનુસાર, હિમાચલ પ્રદેશ સ્થિત ક્લબ ખાડ એફસી સાથે જોડાયેલા બે ખેલાડીઓએ ગોવામાં ચાલી રહેલી ઇન્ડિયન વુમન્સ લીગ દરમિયાન AIFF એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય દીપક શર્મા વિરુદ્ધ હોટલના રૂમમાં શારીરિક ઉત્પીડનની ફરિયાદ કરી છે. બંનેનો આરોપ છે કે શર્માએ નશાની હાલતમાં તેમની સાથે મારપીટ કરી અને થપ્પડ મારી હતી. ગોવા ફૂટબોલ એસોસિએશન (GFA) અને AIFFએ સ્વીકાર્યું છે કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નશામાં હુમલો કરાયાનો આરોપ
પલક વર્મા અને રિતિકા ઠાકુરે ત્રણ સાક્ષીઓ સાથે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ગુરુવારે ડિનર પૂરું થતાં જ અમે ઇંડા ઉકાળવા અમારા રૂમમાં ગયા હતા. જેના કારણે દીપક શર્મા ગુસ્સે થઈને અમારા રૂમમાં ઘૂસી ગયો હતો. તેઓએ અમને થપ્પડ મારી અને શારીરિક હુમલો કર્યો હતો. તે અમારી સામે દારૂ પણ પીતો હતો.