ફૂડ પોઇઝનિંગઃ વાંસદાના પ્રતાપ નગરમાં લગ્ન પ્રસંગમાંથી ભોજન લીધા બાદ 21ને ઝાડા-ઊલટી, આરોગ્ય વિભાગ એલર્ટ


નવસારીઃ હાલમાં ઊનાળાની સિઝન શરૂ છે. ત્યારે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ પણ યોજાઈ રહ્યા છે. જેમાં કેટલીક વખત લગ્ન પ્રસંગમાં બનાવેલા ભોજનમાં કોઇ ખામી સર્જાય તો તેને કારણે આમંત્રિત મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર થાય છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રતાપ નગરમાં પણ ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે. જેમાં 21 લોકોને ઝાડા-ઉલટીની અસર થતા તમામને ઘરે સારવાર આપી અને આરોગ્ય વિભાગે સ્થિતિ સંભાળી છે.
તમામ સેમ્પલ તપાસ માટે મોકલ્યાં
પ્રતાપ નગરના મોટા ફળિયામાં આયોજિત લગ્ન ભોજન લીધા બાદ 21 લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદો સામે આવતા હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે તમામને જરૂરી દવાઓ આપીને ફળિયામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે સંભવિત રીતે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું માનીને ઝાડા-ઊલટીના સેમ્પલ કલેક્ટ કરીને તેને તપાસ માટે મોકલ્યા છે.
ઝીણવટભરી રીતે તમામનું મોનિટરિંગ થાય છે
આરોગ્યની ટીમે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારમાં હાથધરી છે. ઘરે ઘરે ક્લોરીનેસનની કામગીરી, ક્લોરીન ટેબ્લેટ વિતરણ અને સારવાર હેઠળ તમામ કેસને ઝીણવટ ભરી રીતે મોનિટર કરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ 24 કલાક દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સાથે હાજર રહેશે.