હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદે ધમાલ મચાવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ ઉપરાંત અમીરગઢના વિરમપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. કાનપુરા, ડાભેલી, રામપુરા, ખાટી સિતરા સહિતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના થરા,ખીમાણા,શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆતથી લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી બાદ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
હારીજ અને રાધનપુરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. હારીજ, નવા કલાણા,અડિયા,કુરેજા, અસાલડી, બોરતવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. વડોદરાના શિનોરમાં અસહ્ય ગરમી બફારા બાદ વરસાદે બીજી ઇનિંગ કરી શરૂ છે. વડોદરાના શિનોરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શિનોરના રોડ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે. શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે.
મહત્વનું છે કે જામનગરના લાલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ સખત ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. ચાર થાંબલા વિસ્તાર ઉમાધામ સોસાયટી સહકાર પાર્ક જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તરોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ ‘ભારે’, સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધારની આગાહી