ગાંધીનગર, 06 ઓગસ્ટ 2024, ગુજરાતમાં નાના ધંધા-રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોકઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકી છે.
ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા હતા
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે,માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની જાતે જ ખરીદી કરી શકે તે માટે ટૂલકીટના ઈ-વાઉચર આપવામાં આવશે.આ યોજનાના અમલથી રાજ્ય સરકારને વાર્ષિક 60 કરોડ જેટલી બચત થશે.આગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલકીટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદીમાં વિલંબ થતો હતો.આશરે 200થી વધુ તાલુકા સુધી ટૂલકીટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતા ટૂલકીટની ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા હતા. હવે નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલકીટ ખરીદી શકે છે.
રાજ્ય સરકારને વાર્ષિક 60 કરોડની થશે બચત
લાભાર્થીઓ ઈ-વાઉચરના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ઓથોરાઇઝ કરેલા ડીલર પાસેથી ટૂલકીટ ખરીદી શકશે.માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને બેઝીક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. તાલીમ મેળવવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન, RSETI સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ અપાશે. તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક 500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તાલીમના અંતે લાભાર્થીને ટૂલકીટનું ઈ-વાઉચર આપવામાં આવશે. જે લાભાર્થીઓ તાલીમ ન મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓને સીધા ઈ-વાઉચર આપવામાં આવશે.
ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે
1 જુલાઈથી અમલમાં આવેલી માનવ કલ્યાણ યોજના ૨.૦નો સેન્ટ્રીંગ કામ, વાહન સર્વિસીંગ-રીપેરીંગ કામ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયૅન્સીસ રીપેરીંગ, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર અને પંચર કરનાર નાના કારીગરો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી અનિવાર્ય છે. તદુપરાંત કુટુંબ દીઠ એક જ કારીગર આ યોજનાનો લાભ મેળવી શકશે, જ્યારે કુટુંબની વાર્ષિક આવક પણ રૂ. ૬ લાખથી વધુ ન હોવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા વિધવા, બીપીએલ કાર્ડ ધારકો અને ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે.
કેવી રીતે થશે લાભાર્થીની પસંદગી?
આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે, રાજ્ય સરકાર દ્વારા હાલ ઈ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું છે. અરજી કર્યા બાદ જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી રાજ્યની તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ આપવામાં આવશે, જ્યારે બાકીની અરજીઓને આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. ઈ-વાઉચર પદ્ધતિથી ટૂલકીટ ખરીદી કર્યા બાદ ટૂલકીટનો દૂરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીના ઘરે જઈને ઇન્સ્પેકશન પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાતના આ શહેરમાં રૂ.1,240 કરોડના ખર્ચે એરપોર્ટ બન્યું છતાં એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ન આવી