ડીસાના ધારાસભ્યની અસરકારક રજૂઆતને પગલે ડીસા શહેરની કેનાલો ડી કમાન્ડ થઈ
- બિન ઉપયોગી બનેલી કેનાલની જમીન રાજ્ય સરકાર હસ્તક મૂકવામાં આવી
- ભવિષ્યમાં આ કેનાલની જમીન ઉપર રોડ ગટર જેવી સુવિધાઓ થવાની ઉજળી સંભાવના
પાલનપુર ફેબ્રુઆરી 2024 : ડીસા પંથકના ખેડૂતોને પોતાના ખેતરમાં પાક માટે પિયતનું પૂરતું પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમ સાથે જોડાયેલી કેનાલો બનાવવામાં આવી હતી. આ કેનાલો પૈકીની ઘણી કેનાલો નો ઉપયોગ છેલ્લાં ઘણા વર્ષો થી બંધ થઈ ગયો હતો. જેથી આ કેનાલની જમીન ડી કમાન્ડ થાય તો આ જમીન અનેક સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. જેથી તેની રજૂઆત રાજ્ય સરકારમાં થતા હવે આ કેનાલો ડી કમાન્ડ કરવામાં આવી છે.
દાંતીવાડા ડેમથી ખેડૂતોને પિયતનું પાણી ખેતરમાં મળી રહે તે માટે ડીસા પંથકમાં માઇનોર કેનાલોનું નેટવર્ક જે – તે સમયે બિછાવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી આ માઈનોર કેનાલોનો ઉપયોગ સદંતર બંધ થઈ ગયો હતો. અને કેનાલ માટેની જગ્યાનો કોઈ જ ઉપયોગ થતો ન હતો. જેથી કેનાલ માટે ઉપયોગમાં લેવાયેલી જમીન પણ પડતર પડી રહી હતી. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ અંગે રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત કરી હતી.
જેમાં જેટલી કેનાલ થી સિંચાઈ થતી ન હતી અને બિન ઉપયોગી બની રહેલી આવી કેનાલ નો વિસ્તાર ડીકમાન્ડ કરવો જોઈએ, તેવી રજૂઆતના પગલે રાજ્ય સરકારે હકારાત્મક વલણ આપનાવીને આવી કેનાલોને ડી કમાન્ડ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પરિણામે આ કેનાલની જેટલી જમીન છે તે રાજ્ય સરકાર હસ્તક મૂકવામાં આવી છે. હવે આ જમીનનો ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓ માટે ઉપયોગ કરી શકાય તેમ છે. જેમાં આગામી દિવસોમાં રોડ, ગટર જેવી વ્યવસ્થાઓ થવાથી નાગરિકોને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આમ ઘણા સમયથી બિન ઉપયોગી બનેલી કેનાલ ડી કમાન્ડ થતા તેની જમીન ઉપર સુવિધાઓ સાથે અનેક વિસ્તારો ના વિકાસની પણ તકો ઉજળી બની છે. જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે.
રાજ્ય સરકાર નો નિર્ણય આવકારદાયક : પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય, ડીસા
વર્ષો થી બિન ઉપયોગી થઈ ગયેલી ડીસા પંથકની કેનાલો ને ડી કમાન્ડ કરવાનો આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તે બદલ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને મુકેશભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં નાગરિકોને માર્ગ અને પાણી નિકાલ માટે ગટરની સુવિધાઓ માટે આ જગ્યાઓ અનુકૂળ બની રહેશે.
કઈ કેનાલો ડી કમાન્ડ થઈ
ડીસા માઇનોર:-
રાણપુર આથમણાવાસના વડલા જોડેથી નીકળતી વડલા વાળી નહેર એટલે કે ડીસા માઇનોર જે રાણપુર આથમણાવાસથી એરપોર્ટથી પસાર થઈ રાજપુર ગામમાં પૂર્ણ થાય છે.
નવલપુર સબમાઇનર:-
રાણપુર આથમણાવાસથી અજાપુરા જતા નેળીયાના રસ્તા પાસેથી નીકળતી નહેર. જે ડીસાના માઇનોરમાંથી ફંટાય છે.
રાજપુર માઇનોર:-
નાંદોત્રા વિશાખાના છેવાડા થી રાજપુર ગામમાંથી છેક ડીસા સિટીના માર્કેટ યાર્ડના છેડે પૂરી થાય છે.
કોલોની માઈનોર:-
નાંદોત્રા વિશાખાના છેવાડા થી રાજપુર ગામમાંથી છેક ડીસા સિટીના નેશનલ હાઈવે પૂર્ણ થાય છે. દીપક હોટલ ચાર રસ્તા ની નજીક સિંચાઇ વિભાગની કચેરીઓની આગળ નેશનલ હાઇવે પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું કર્યું દાન