અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયુ, રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત્
- ગુજરાતને માથે કરા સાથે માવઠાનું સંકટ યથાવત્
- નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
- શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતને માથે કરા સાથે માવઠાનું સંકટ યથાવત્ છે.
શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે
વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમજ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવશે. આજે 30થી 40 કિલોમીટરે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. ગત રાત્રિના નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.