દિવાળીમાં હવામાં ઉડવું થયું મોંઘું, જાણો ક્યાં ક્યાં કેટલો થયો વધારો?
નવી દિલ્હી, 18 ઓકટોબર, જો તમે દિવાળીના સમયે હવાઈ યાત્રા કરવા ઈચ્છો છો તો આ આર્ટીકલ તમારા માટે જ છે. હવાઈ સફર કરતા લોકો માટે ફરવા જવું મોંઘું પડશે. હાલ ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં 5000થી 20,000નો વધારો થયો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જ્યારે દેશમાં કેરળ અને કાશ્મીર જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુજરાતીઓ શ્રીનગર, કોચીન, ગોવા, બાગડોગ્રા, કોલકાત્તા અને દિલ્હી માટે અમદાવાદથી સીધી ફ્લાઈટ પંસદ કરી રહ્યા છે કારણ કે, કાશ્મીર, કેરળ, ગોવા, સિક્કિમ અને નોર્થ ઇસ્ટનાં રાજ્ય તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે.
દિવાળી વેકેશન દરમિયાન લોકો ફરવા માટે વિવિધ રાજ્યો અને શહેરોમાં જતા હોય છે, ત્યારે દિવાળીના 15 દિવસ પહેલાં જ ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. ત્યારે દિવાળની રજાઓમાં સુરતથી બહાર જવાનું પ્લાનિંગ કરનારા લોકો માટે ફ્લાઈટની ટિકિટ્સના ભાવ આંચકા સમાન બની રહ્યાં છે. આ વખતે દિવાળીની સિઝનમાં દુબઇ, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, બાલી, ગોવા, દિલ્હી, બેંગ્લોર સહિતની ફ્લાઈટના ભાડામાં 5,000થી 20,000નો વધારો થયો છે. જ્યારે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 1,000થી 1,400 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ભાડે મળતી કારના ભાવમાં પ્રતિ કિમી રૂ.2થી 5નો વધારો જોવા મળી રહ્યો છે. બસ દ્વારા વેકેશન માણવા માટે આ વર્ષે અમદાવાદીઓએ 2થી 3 હજારનું બજેટ વધારવું પડશે.
આ અંગે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરેન્દ્રએ કહ્યું હતું કે, આ વર્ષે એર ફેરમાં ધરખમ વધારો થયો છે. તેમાં પણ અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવતા ડેસ્ટિનેશન માટે વધુ ટિકિટના ભાવ છે, પરંતુ કેટલાક ટ્રાવેલ એજન્ટ અગાઉથી જ ફરવાલાયક સ્થળની ટિકિટ બુક કરાવી લે છે. તે સમયે તે સ્થળ માટે ટિકિટનો ભાવ લગભગ 5,000 રૂપિયા હોય તો તે હાલમાં 20,000થી 25,000 રૂપિયા સુધીનો થયો છે. એટલે કે ટૂર પેકેજીસમાં કેટલાક ટ્રાવેલ એજન્ટ સસ્તા ભાવે ટૂર પેકેજ રાખે છે. જેથી જે એજન્ટે અગાઉથી બુકિંગ કર્યું હોય તેમને ઓછા ભાવમાં ટિકિટ આપી શકે છે. ઇન્ટરનેશનલ ટ્રિપ માટે દુબઇ જેવા ડેસ્ટિનેશન માટે રાઉન્ડ ટ્રિપના 22,000થી 25,000 હજાર સામાન્ય દિવસોમાં હોય છે, પરંતુ હાલમાં જો ટિકિટ બુક કરવી હોય તો તે વધીને 45,000થી 50,000 સુધી થઇ ગઈ છે, જ્યારે થાઈલેન્ડ માટે પણ સામાન્ય દિવસો કરતાં હાલમાં રાઉન્ડ ટ્રિપ માટે બેથી ત્રણ ગણો ભાવ ચૂકવવો પડે છે.
આ પણ વાંચો..મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ ક્વોરી એસો.ની હડતાળ સમેટાઈ