પૂરે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ તબાહી મચાવી છે. ભારે વરસાદ અને પૂરના કારણે ચીનના જિયાંગસી પ્રાંતમાં સ્થિતિ વિકટ બની છે. સમગ્ર પ્રાંત આ દિવસોમાં પૂરના પાણીની ઝપેટમાં છે. જિયાંગસી પ્રાંતમાં ભીષણ પૂરથી 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પ્રાંતના ઘણા શહેરો પૂરમાં ડૂબી ગયા છે અને લોકો તેમના ઘરોમાં કેદ છે.
પૂરના કારણે ખેતરોમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે અને કારખાનાઓમાં ધંધો ઠપ થઈ ગયો છે. પ્રાંત સરકારનો અંદાજ છે કે આ વરસાદને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને લોકોનો ધંધો ખોરવાઈ ગયો છે.
પૂરના કારણે પ્રાંતમાં ખોરાક અને શુદ્ધ પાણીની પણ અછત સર્જાઈ છે. લોકોને પૂરનું પાણી ઉકાળીને પીવાની ફરજ પડી રહી છે. હાલ આ પ્રાંતમાં વરસાદ બંધ થઈ ગયો છે. પરંતુ ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે, ત્યાં ફરી વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.
વરસાદ અને પૂરના કારણે જિઆંગસી પ્રાંતના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. મોટાભાગની ઇમારતો પાણીમાં ડૂબી ગઈ છે. જેમાં ઘણી જૂની ઇમારતો પણ છે. આવી સ્થિતિમાં વરસાદ દરમિયાન તે ઈમારતો પડી જવાનો ભય છે.
જિયાંગસી પ્રાંતમાં 28 મેથી સતત વરસાદ પડી રહ્યો છે. પાણીમાં ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 1 લાખ લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
જિઆંગસી પ્રાંતના અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યમાં પૂરના કારણે લગભગ 45 હજાર હેક્ટરનો પાક નાશ પામ્યો છે. તેમજ 500 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. પૂરના કારણે પ્રાંતના મીઠા પાણીના પોયાંગ સરોવરનું પાણીનું સ્તર પણ વધી રહ્યું છે.
એવી આશંકા છે કે જો પોયાંગ સરોવર તૂટશે તો રાજ્યમાં સ્થિતિ વણસી શકે છે અને ઘણા જૂના મકાનો પડી શકે છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે ચીની સેનાને પ્રાંતમાં બોલાવવામાં આવી છે.