ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશમાં અવિરત વરસાદ અને પૂરના કારણે ભયનો માહોલ છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રાહત અને બચાવ કાર્ય માટે સેનાને બોલાવવામાં આવી છે. અધિકૃત અંદાજો અનુસાર, લગભગ છ મિલિયન લોકો પૂરથી પ્રભાવિત છે કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને દેશના ઉત્તર-પૂર્વ અને ઉત્તરીય પ્રદેશોમાં નદીઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી ઘણા લોકો અસ્થાયી કેમ્પમાં રહી રહ્યા છે.
ફ્લડ ફોરકાસ્ટિંગ એન્ડ વોર્નિંગ સેન્ટર (FFWC)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘દેશની ચાર મોટી નદીઓમાંથી બેમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઘણું વધારે છે અને સ્થિતિ લગભગ 2004ના પૂર જેવી છે.’ સુનમગંજમાં પૂરના કારણે ઘણા લોકોએ છત પર આશરો લેવો પડ્યો હતો, જો કે બાદમાં તેમને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પૂરના કારણે કેટલા લોકોના મોત થયા છે. તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. બિનસત્તાવાર આંકડાઓ અનુસાર, દેશમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. FFWCએ મેઘાલય અને બાંગ્લાદેશના ઉંચા વિસ્તારોમાં સતત વરસાદને પૂર માટે જવાબદાર ગણાવ્યો છે. બાંગ્લાદેશે વહીવટીતંત્રને મદદ કરવા માટે સેનાને બોલાવી છે.