આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. મળતી માહિતી અનુસાર, સતત વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 42 લાખ લોકો બેઘર થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે જેના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતા નથી.
આસામમાં પૂરના કારણે 42 લાખ લોકો બેઘર બન્યા છે, જ્યારે હજારો લોકોને મજબૂરીમાં ઘર છોડવું પડ્યું છે. તે જ સમયે, ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીર દર્દીઓ, વૃદ્ધ મહિલાઓ અને બાળકો સહિત લગભગ 4500 ફસાયેલા સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
રેસ્ક્યુ ઓપરેશન માટે સેનાની મદદ
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેનાના જવાનો બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. બચાવ અભિયાનની સાથે, સેનાના જવાનો હજારો લોકોને મદદ કરવા માટે રાહત શિબિરોમાં સમયસર જરૂરી વસ્તુઓની સપ્લાય પણ સુનિશ્ચિત કરી રહ્યા છે. જેથી લોકોની સારવારની સાથે તેમનો જીવ પણ બચાવી શકાય.
કછાર જિલ્લામાં ભૂસ્ખલન
આસામના કછાર જિલ્લામાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે કાટમાળમાં ફસાઈને બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના કછાર જિલ્લાના બોરખાઈ ચાના બગીચા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. જ્યાં શનિવારે રાત્રે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ટેકરીનો મોટો હિસ્સો એક ઘર પર પડ્યો હતો. જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી બેના મોત થયા હતા.