ટોપ ન્યૂઝનેશનલ

આસામમાં પુરથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર, 60ના મૃત્યુ

  • આસામમાં એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ
  • લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયા
  • અલકનંદાનું જળસ્તર પણ વધતા પોલીસ પ્રશાસને બદ્રીનાથ ધામમાં તપ્તકુંડને ખાલી કરાવ્યું

નવી દિલ્હી, 02 જુલાઈ : છેલ્લા એક મહિનાથી પૂર સામે ઝઝૂમી રહેલા આસામ અને અરુણાચલના લોકો અસ્થાયી કેમ્પમાં રહે છે. આસામમાં 3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું

અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે રવિવારે પૂરે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નાગાંવ, ડિબ્રુગઢ સહિત એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘર ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.

ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અલકનંદા

બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. ગઈકાલે સોમવારે બપોરે નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. પોલીસ પ્રશાસને તપ્તકુંડને ખાલી કરાવ્યું છે. અહીંથી નદીનું જળસ્તર માત્ર છ ફૂટ નીચે છે. નારદ શિલા અને વરાહશિલા પાણીમાં ડૂબી ગયા છે. પોલીસે સમગ્ર ધામમાં જાહેરાત કરી મુસાફરો અને સ્થાનિક લોકોને એલર્ટ કર્યા હતા. આ ઉપરાંત તપ્તકુંડને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અલકનંદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા

જુલાઈ મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. વધુ પડતો વરસાદ પશ્ચિમ હિમાલયના રાજ્યો અને મધ્ય ભારતના નદીના વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું કરે છે. ભારતીય હવામાન વિભાગે ગઈકાલે સોમવારે આ આગાહી વ્યક્ત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જૂન મહિનામાં સામાન્ય કરતાં 11 ટકા ઓછો વરસાદ થયો હતો.

જૂનમાં કુલ વરસાદ 147.2 મીમી પડ્યો હતો

IMDના ડેટા અનુસાર, જૂન મહિનામાં દેશભરમાં 147.2 mm વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઓછો છે. 2001 પછી સાતમી વખત જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. દેશમાં ચાર મહિનાની ચોમાસાની મોસમ દરમિયાન નોંધાયેલા 87 સેમી વરસાદમાંથી જૂનનો વરસાદ 15 ટકા છે. આ વર્ષે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની નિર્ધારિત તારીખ પહેલાં જ 30 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં ત્રાટક્યું હતું. મહારાષ્ટ્ર સુધી ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું, પરંતુ તે પછી તેની ગતિ ધીમી પડી હતી. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું અને ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

આ પણ વાંચો : નવા ફોજદારી કેસ નોંધવામાં પોલીસના પરસેવા છૂટ્યા, જાણો શું-શું કરવું પડ્યું ?

Back to top button