સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, મેયરે પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને આપી સૂચના
ચોમાસાની શરુઆતમાં રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેંટીંગ જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરમાં ગત મોડી રાતથી મેઘરાજાએ જમાવટ કરતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.ત્યારે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર
સુરત શહેરમાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં વાહનો ડૂબી જતા અને પાણીને કારણે બંધ પડી જતાં વાહન ચાલકો અટવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી ચલથાણ બજાર બોટમાં ફેરવાયું છે. ખાસ કરીને જ્યાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પાણી ભરાઈ જવાની ફરિયાદ છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પાણી ભરાવાની સમસ્યાને લઈને ખુદ રસ્તે ઉતર્યા હતા .
મેયરે અધિકારીઓને આપી સુચના
ભારે વરસાદથી જન જીવન અસ્ત-વ્યસ્ત બન્યુ છેલોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતાવહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ કરી હતી. અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.મેયર હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મહત્વનું છે કે સુરત શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉધના, નવસારી રોડ, દક્ષેશ્વર મંદિર નજીક મેઇન રોડ પર પાણી ભરાયા છે.સર્વિસ રોડ પર ઘુંટણસમા પાણી ભરાયા છે. શહેરના ઉધના, પાંડેસરા, અડાજણ પાટિયા, ઈચ્છાપોર, ડિંડોલી, વરાછા, કાપોદરા, રિંગ રોડ સબજેલ વિસ્તાર, પર્વત પાટિયા, જહાંગીરપુરા, રાંદેર, અઠવાલાઈન્સચોકબજાર ગાંધીબાગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડિંડોલીમાં રસ્તાઓ પર કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
લાલગેટ વિસ્તારમાં કારમાં બાળકો ફસાઈ જતા ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યું
લાલગેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક પરિવાર પોતાની કારમાં 3 બાળકો સાથે જઈ રહ્યું હતું. એ દરમિયાન અચાનક કાર બંધ પડી ગઈ હતી. પાણીની વચ્ચેવચ્ચ કાર બંધ થઈ જતાં ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડના જવાનોએ બાળકોનેસલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં.
સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
સુરત શહેર અને જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સુરત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત,બાઇક અને કારની ટક્કરમાં પરિવારનો માળો વિખેરાયો