નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદથી ઘોડાપુર જેવી સ્થિતિ, CMએ ફોન કરીને માહિતી મેળવી
ગાંધીનગર, 05 ઓગસ્ટ 2024, હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનાં પાણી ઘૂસી જતાં અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.
મુખ્યમંત્રીએ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી બંને જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ,આહવા, કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 47 જળાશયો સંપૂર્ણ ભરાયા
સરદાર સરોવર ડેમમાં 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત 21 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 42 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32, સૌરાષ્ટ્રના 141માં 52.68, કચ્છના 20 જળાશયોમાં 52.15, મધ્ય ગુજરાતના 17માં 45.26 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચોઃગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘની આગાહી, જાણો કયા શહેરમાં થશે ધોધમાર વરસાદ