સુરતમાં નદીમાં પૂરની સ્થિતિ તો બીજી તરફ દરિયા કિનારે પણ એલર્ટ
એક તરફ સુરતમાં વરસાદના કારણે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાથી તાપી નદીમાં પૂરની સ્થિતિ બની રહી છે ત્યારે બીજી તરફ ડુમસના દરિયા કિનારે પણ મુશ્કેલી બની રહી છે. જેમાં અરબી સમુદ્રમાં નોર્થઇસ્ટ દિશામાં ડિપ્રેશન ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફુંકવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી શકયતાને પગલે તકેદાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ ઉપર સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
છેલ્લા થોડાં દિવસોથી વરસાદની સ્થિતિના કારણે મોટી સંખ્યામાં લોકો ડુમસમાં ફરતાં જોવા મળતાં હોય છે. ત્યારે હવમાન વિભાગ દ્વારા આગાહી કરતાં પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ તા. 18 થી બંધ કરવામાં આવ્યો છે. દરિયા કિનારે સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ મુકવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચના કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમનાં 13 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
બીજી તરફ ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને 7.72 મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન ખાતાએ કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.