ગુજરાત

દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટે હવામાં બેલેન્સ ગુમાવ્યું; 4 લોકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અમદાવાદ ડાઇવર્ટ કરી

Text To Speech

અમદાવાદઃ સોમવારે દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો સર્જાયો હતો. વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ આમ કુલ 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીથી કેનેડા જતી એર કેનેડાની ફ્લાઈટે હવામાં બેલેન્સ ગુમાવતા ચાર પેસેન્જર ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે વાતાવરણ સુધરતા ડોમેસ્ટિક ફલાઇટને અઢીથી 3 કલાક બાદ પાછી મોકલી દેવાઇ હતી. હાલ ઇન્ટરનેશનલ ફલાઇટના પેસેન્જરોને હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે.

કેનેડાથી દિલ્હી જતી એર કેનેડાની ફલાઇટે થોડા સમય માટે હવામાં બેલેન્સ ગુમાવ્યું હતું અને ફલાઇટ ઊંચી-નીચી થતાં પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પાયલોટે આ ઘટનાની જાણ એટીસીને કરતા એટીએસ અધિકારીએ તાત્કાલિક ઇમરજન્સી ડિક્લેર કરી હતી અને ફ્લાઇટને સોમવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી. ત્યારબાદ રાત્રે 12 પછી એર કેનેડાની ફલાઇટ અમદાવાદ સુરક્ષિત લેન્ડ થઇ હતી.

એર કેનેડાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

  • કેનેડા-દિલ્હી
  • અમેરિકા- દિલ્હી
  • વારાણસી- જયપુર
  • સુરત-જયપુર
  • ચેન્નઇ- દિલ્હી
  • હૈદરાબાદ -જયપુર
  • દિલ્હી-જયપુર

એર કેનેડાની ફ્લાઈટમાં 225 પેસેન્જર હતા
કેનેડા અને અમેરિકાથી દિલ્હી જતી બંને ઇન્ટરનેશનલ ફલાઇટમાં 200થી 225 મુસાફરો હતા. મંગળવારે રાત્રે તમામ પેસેન્જરોને અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવ્યા છે. ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગને લીધે ફાયરબ્રિગેડ, મેડિકલ ટીમ અને સિક્યુરિટી એજન્સીઓને એલર્ટ રાખવામાં આવી હતી. ઘાયલ પેસેન્જરોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 3 પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે એક વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા છે.

Back to top button