Flash Back 2022 : આ વર્ષે દેશની આ મહિલાઓ રહી ચર્ચામાં !
વર્ષ 2022 ને પૂરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમ આપને આ વર્ષની કેટલીક યાદગાર પળો યાદ અપાવા જઈ રહી છે અને આજે આપણે આજે વાત કરીએ છીએ આ વર્ષે ભારતીય મહિલાઓ સૌથી વધુ ચર્ચામાં રહી. આમ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલાઓનો દબદબો રહ્યો છે, પરંતુ આ વર્ષે ઘણાં વિવિધ કારણોસર આ મહિલાઓ ચર્ચાનું કેન્દ્ર બની હતી. ચાલો જાણીએ…
આ પણ વાંચો : Flash Back 2022 : વિરાટની કેપ્ટનશીપથી લઈને સૂર્યાનો 360 અવતાર, ભારતીય ક્રિકેટ માટે કંઈક આવું રહ્યું આ વર્ષ
લતા મંગેશકર
આ વર્ષે આપણે ભારતના મહાન ગાયક લતા મંગેશકર ગુમાવ્યા. પ્રખ્યાત ભારત રત્ન લતા મંગેશકરનું આ વર્ષે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સંગીત અને મનોરંજન જગતને મોટી ખોટ પડી છે. લતા મંગેશકરે માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 30 હજારથી વધુ ગીતો ગાયા અને ઘણા બ્લોકબસ્ટર ગીતો આપ્યા જે આજે પણ લોકોના હોઠ પર છે.
નુપુર શર્મા
આ વર્ષે નુપુર શર્માનું નામ ઘણા વિવાદોમાં રહ્યું હતું. નુપુર શર્મા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા છે. નુપુર શર્મા એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચર્ચામાં રહી હતી. એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ હોબાળો થયો હતો. જેને લીધે દેશભરમાં અનેક જગ્યાએ હિંસા પણ જોવા મળી હતી. ટિપ્પણી બાદ નૂપુર શર્મા દેશના મુસ્લિમ સંગઠનો અને કટ્ટરવાદીઓના નિશાના હેઠળ આવ્યા હતા. આ બાબતે ભારતમાં જ નહીં વિદેશમાં પણ આગ લગાવી હતી. નૂપુર શર્માની ટિપ્પણી પર ભારતીય મુસ્લિમો સહિત 15 દેશોમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
દ્રૌપદી મુર્મુ
આ વર્ષે ભારતને બીજી મહિલા રાષ્ટ્રપતિ મળ્યાં .આ વર્ષે દ્રૌપદી મુર્મુ ભારતના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. આ પહેલા મુર્મુ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ વર્ષે હેડલાઇન્સ બનાવનારી મહિલાઓની યાદીમાં દ્રૌપદી મુર્મુનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો : Flash Back 2022 : સાઉથની એ ફિલ્મો જેણે આ વર્ષે બોક્સઓફિસ પર તોડી બોલિવુડની કમર !
સુષ્મિતા સેન
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનું નામ વર્ષ 2022માં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ હતી. અભિનેત્રી સુષ્મિતા સેન કોઈ ફિલ્મ કે સીરિઝ માટે નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ લલિત મોદી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંનેની સાથેની ઘણી તસવીરો પણ સામે આવી છે. જો કે, તેમનો પ્રેમ સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને બાદમાં બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા હતા.
ઝુલન ગોસ્વામી
રમતગમતની દુનિયામાં પણ ઘણી મહિલા ખેલાડીઓ અને ખેલાડીઓ લાઈમલાઈટમાં હતા. ભારતની વરિષ્ઠ મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામીએ આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં થાય છે. ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી હતી. ઝુલન મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 255 વિકેટ ઝડપનાર બોલર છે. આ સિવાય તે સૌથી વધુ 204 વનડે રમનારી ક્રિકેટર પણ છે.
આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે આ મહાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
મીરાબાઈ ચાનૂ
આ ઉપરાંત દેશની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ પણ આ વર્ષે ચર્ચામાં રહી હતી. તાજેતરમાં તેણે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો હતો. કાંડામાં ઈજા હોવા છતાં, મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ બે મહિલા ખેલાડીઓના નામ આ વર્ષે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થયા.
જો કે, વર્ષ 2022 માં, ઘણી વધુ મહિલાઓની ચર્ચા થઈ હતી. કાચા બદનામ ગીત પર ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલિ અરોરાનો MMS વીડિયો લીક થયો હતો, જેને લીધે તે પણ ઘણી ચર્ચામાં રહી હતી. બીજી તરફ આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, તેના રણબીર સાથેના લગ્ન તેમજ માતા બનવાને કારણે પણ આખું વર્ષ સમાચારોમાં રહી હતી.