Flash Back 2022 : આ વર્ષે વિદેશના આ મહાન અને ખ્યાતનામ ચહેરાઓએ દુનિયાને કહ્યું ‘અલવિદા’
વર્ષ 2022 ને પૂરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમ આપને આ વર્ષની કેટલીક યાદગાર પળો યાદ અપાવા જઈ રહી છે અને આજે આપણે વાત કરીએ છીએ આ વર્ષે દુનિયાને અલવિદા કહેલા એ મહાન વિદેશી લોકો વિશેની. વર્ષ 2022માં રાજનીતિ અને રમતગમત જગતની અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું છે. જાણો દુનિયાની એ દિગ્ગજ હસ્તીઓ વિશે, જેમણે વર્ષ 2022ને અલવિદા કહ્યું. તેમાં શિન્ઝો આબે થી લઈને દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલે સુધીના નામો સામેલ છે.
આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે આ મહાન ભારતીયોએ દુનિયાને કહ્યું ‘અલવિદા’
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ શિન્ઝો આબેને બે વાર ગોળી મારી હતી. ડોક્ટરોએ શિન્ઝો આબેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. શિન્ઝો આબેના નિધન બાદ સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. તેઓ પીએમ નરેન્દ્ર મોદીના સારા મિત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો પણ નવા આયામોને સ્પર્શ્યા. તેમના નિધન પર ભારતમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી.
UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ
સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 13 મે 2022ના રોજ 73 વર્ષની વયે અવસાન થયું હતું. શેખ ખલીફા બિન ઝાયેદના માનમાં ભારતમાં 14 મે 2022ના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
મહાન લેગ સ્પિનર શેન વોર્ન
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું આ વર્ષે 4 માર્ચે નિધન થયું હતું. વોર્ને લેગ-સ્પિન બોલિંગની કળાને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે 1990ના દાયકામાં ઘાતક સ્પિન તરીકે જોવામાં આવી હતી, તેણે 145 મેચોમાં 708 ટેસ્ટ વિકેટ તેમજ 194 વન-ડેમાં 293 વિકેટ લીધી હતી. તેને તાજેતરમાં સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમમાં ‘લેજેન્ડ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વોર્ન ઓસ્ટ્રેલિયામાં સૌથી પ્રતિષ્ઠિત રમત સન્માન મેળવનાર પાંચમો ક્રિકેટર બન્યો.
આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે દેશની આ મહિલાઓ રહી ચર્ચામાં !
બ્રિટનની રાણી એલિઝાબેથ II
બ્રિટનની રાણી એલિઝાબેથ-IIનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. તે બ્રિટનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાજા હતા. તેમના અવસાન પર ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. ક્વીન એલિઝાબેથ તેમના મૃત્યુ સુધી બ્રિટન સહિત 15 દેશોના વડા રહ્યા હતા. રાણી એલિઝાબેથ 2 જૂન 1953ના રોજ બ્રિટનની રાણીના પદ પર આવ્યા હતા.
દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલે
દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. પેલેએ પોતાના દેશ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેમના મૃત્યુ વિશે માહિતી આપતા, પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ લખ્યું, ‘અમે જે પણ છીએ, તે તમારા કારણે છીએ. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.’
આ પણ વાંચો : Flash Back 2022 : વિરાટની કેપ્ટનશીપથી લઈને સૂર્યાનો 360 અવતાર, ભારતીય ક્રિકેટ માટે કંઈક આવું રહ્યું આ વર્ષ