Flash Back 2022 : આ વર્ષે આ મહાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
વર્ષ 2022 ને પૂરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમ આપને આ વર્ષની કેટલીક યાદગાર પળો યાદ અપાવા જઈ રહી છે અને આજે આપણે આજે વાત કરીએ છીએ આ વર્ષે ક્રિકેટના કેટલાક મહાન ખેલાડીઓએ લીધેલા સન્યાસ વિશેની. આ વર્ષે વિરાટ કોહલીને સુકાનીપદેથી હટાવવાથી લઈને ઈંગ્લેન્ડના ‘T20 ચેમ્પિયન‘ બનવા સુધી ક્રિકેટની દુનિયામાં ઘણી ઉથલપાથલ જોવા મળી.
આ પણ વાંચો : 2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી
આ વર્ષ દરમિયાન ઘણા એવા ક્રિકેટરો હતા જેમણે ટીમમાં જગ્યા ન મળવાને કારણે નાની ઉંમરમાં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જ્યારે કેટલાક એવા ક્રિકેટર્સ હતા જેમણે શાનદાર ક્રિકેટ રમવા છતાં અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. આજે અમે તમને એવા જ કેટલાક ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
ચાલો જાણીએ આ યાદીમાં કયા ક્રિકેટરોનો સમાવેશ થાય છે
1- રોસ ટેલર (ન્યુઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રોસ ટેલરે લગભગ 16 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા બાદ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ટેલરે ન્યૂઝીલેન્ડ માટે 112 ટેસ્ટ, 236 વનડે અને 102 ટી20માં કુલ 18,195 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ટેલર ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.
2- મિતાલી રાજ (ભારત)
પૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજે 23 વર્ષ સુધી દેશ માટે ક્રિકેટ રમી. મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી પણ છે. તેણે ભારત માટે 232 ODIમાં 7805 રન, 12 ટેસ્ટમાં 699 રન અને 89 T20Iમાં 2364 રન બનાવ્યા છે. આ સિવાય તે સૌથી વધુ વનડે રમનાર ક્રિકેટર પણ છે.
3- ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ)
ઈયોન મોર્ગન, જેણે ઈંગ્લેન્ડને પોતાની કેપ્ટનશીપ હેઠળ ODI વર્લ્ડ અપાવ્યું હતું, તેણે આ વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આયર્લેન્ડ માટે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર મોર્ગન ODI ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 126 વનડેમાં 76 જીત સાથે ઈંગ્લેન્ડનો સૌથી સફળ કેપ્ટન પણ હતો.
4- મોહમ્મદ હાફીઝ (પાકિસ્તાન)
પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક મોહમ્મદ હાફીઝે આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેની 18 વર્ષની લાંબી કારકિર્દીમાં, હાફિઝે ત્રણેય ફોર્મેટમાં 392 મેચમાં કુલ 12780 રન બનાવ્યા. ઓલરાઉન્ડર તરીકે મોહમ્મદ હાફીઝે પણ કુલ 253 વિકેટ લીધી હતી.
5- કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ)
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ વિશ્વના સર્વશ્રેષ્ઠ T20 ખેલાડીઓમાંથી એક છે. પોલાર્ડે આ વર્ષે એપ્રિલમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 100 થી વધુ T20I રમનાર વેસ્ટ ઈન્ડિઝનો એકમાત્ર ખેલાડી છે. વર્ષ 2021માં શ્રીલંકા સામે 1 ઓવરમાં 6 સિક્સર ફટકારનાર પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
6- ઝુલન ગોસ્વામી (ભારત)
ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી હતી. ઝુલન મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 255 વિકેટ ઝડપનાર બોલર છે. આ સિવાય તે સૌથી વધુ 204 વનડે રમનારી ક્રિકેટર પણ છે.
7- રોબિન ઉથપ્પા (ભારત)
ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર રોબિન ઉથપ્પાએ પણ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ઉથપ્પાએ ભારત માટે 46 ODI અને 13 T20 મેચ રમી છે. જેમાં તેણે કુલ 1183 રન બનાવ્યા હતા. તે 2007ની ‘T20 વર્લ્ડ કપ’ વિજેતા ટીમનો પણ ભાગ હતો.
8- લેન્ડલ સિમોન્સ (વેસ્ટ ઈન્ડિઝ)
લેન્ડલ સિમોન્સે પણ વેસ્ટ ઈન્ડિઝ માટે 144 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ આ વર્ષે નિવૃત્તિ લીધી હતી. સિમન્સ વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિકેટના તમામ ફોર્મેટ રમ્યો હતો. લેન્ડલ સિમોન્સે પોતાના દેશ માટે ઓપનર તરીકે 68 વનડેમાં 1,958 રન અને 68 ટી20 મેચોમાં 1,527 રન બનાવ્યા છે. વર્ષ 2016માં તેણે વેસ્ટ ઈન્ડિઝને ટી20 વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
9- દિનેશ રામદિન (વેસ્ટ ઈન્ડિઝ)
વેસ્ટ ઈન્ડિઝના સૌથી સફળ વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ રામદીને વર્ષ 2005માં પોતાના દેશ માટે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે રમી હતી. રામદિને 74 ટેસ્ટમાં 2,898 રન, 139 વનડેમાં 2,200 રન અને 71 ટી20માં 636 રન બનાવ્યા છે. વિકેટકીપર તરીકે રામદિને કુલ 468 શિકાર બનાવ્યા.
10- ક્રિસ મોરિસ (દક્ષિણ આફ્રિકા)
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે પણ આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પોતાના દેશ માટે કુલ 69 મેચ રમનાર મોરિસે વર્ષ 2012માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. મોરિસે દક્ષિણ આફ્રિકા માટે 42 વનડેમાં 48 અને 23 ટી-20 મેચમાં 34 વિકેટ લીધી હતી.
11- સુરંગા લકમલ (શ્રીલંકા)
ફાસ્ટ બોલર સુરંગા લકમલ શ્રીલંકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા ક્રમે છે. વર્ષ 2009માં શ્રીલંકા તરફથી ડેબ્યૂ કરનાર લકમલે 70 ટેસ્ટમાં 171 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે વનડેમાં 109 વિકેટ પણ લીધી છે. તે વર્ષ 2014માં T20 વર્લ્ડ કપ વિજેતા શ્રીલંકાની ટીમનો પણ સભ્ય હતો.
આ સિવાય ન્યૂઝીલેન્ડના હામિશ બેનેટ અને કોલિન ડી ગ્રાન્ડહોમ, નેધરલેન્ડના પીટર સીલર અને સ્ટેફન માયબર્ગ, ભારતના રાહુલ શર્મા, ઈંગ્લેન્ડના ટિમ બ્રેસનન, શ્રીલંકાના દાનુષ્કા ગુનાથિલાકા અને આયર્લેન્ડના કેવિન ઓ’બ્રાયન પણ આ વર્ષે નિવૃત્તિ લેનારા ક્રિકેટરોની યાદીમાં સામેલ છે.