Flash Back 2022 : બોક્સ ઓફિસ પર આ વર્ષે આ બોલિવુડ ફિલ્મોનો રહ્યો દબદબો
વર્ષ 2022 માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમ આપને આ વર્ષની કેટલીક યાદગાર પળો યાદ અપાવા જઈ રહી છે અને આજે આપણે આજે વાત કરીએ છીએ આ વર્ષે સુપરહીટ રહેલી બોલિવુડ ફિલ્મોની. આ વર્ષે આવેલી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો, પરંતુ ઘણી ફિલ્મો કોરોના સમયગાળા પહેલાના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. ભારતમાં કોરોના મહામારીના કહેર બાદ જ્યારે સામાન્ય જનજીવન પાછું આવ્યું ત્યારે લોકો માટે સિનેમા હોલ ખોલવામાં આવ્યા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી આશાનો સંચાર થયો. આ વર્ષે સિલ્વર સ્ક્રીન પર ઘણી ફિલ્મો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર સારી પ્રતિસાદ પામી હતી અને વિવાદોમાં પણ રહી હતી.
આ પણ વાંચો : Flash Back 2022 : સાઉથની એ ફિલ્મો જેણે આ વર્ષે બોક્સઓફિસ પર તોડી બોલિવુડની કમર !
2022માં ફિલ્મનું બોક્સઓફિસ પ્રદર્શન
‘દ્રશ્યમ 2’
2015ની મલયાલમ રિમેક ફિલ્મ ‘દ્રશ્યમ’નો બીજો ભાગ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં રિલીઝ થયો હતો. ‘દ્રશ્યમ 2’ પણ મલયાલમ ફિલ્મની સિક્વલની રિમેક છે. રિપોર્ટસ્ અનુસાર, અજય દેવગનની ફિલ્મે 220 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તે હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. ‘દ્રશ્યમ 2’માં અજય દેવગન ઉપરાંત અક્ષય ખન્ના અને તબ્બુએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. રિમેક ફિલ્મ હોવા છતાં, ‘દ્રશ્યમ 2’ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે.
ભૂલ ભુલૈયા 2
મે મહિનામાં રિલીઝ થયેલી કાર્તિક આર્યનની હોરર અને કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 2નો આ વર્ષે દબદબો રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય કિયારા અડવાણી અને તબ્બુનો પણ મુખ્ય રોલ રહ્યો હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પણ આ વર્ષે ધૂમ મચાવી હતી. રિપોર્ટસ્ અનુસાર આ ફિલ્મે લગભગ 179 કરોડ રુપિયાની કમાણી કરી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મની સફળતા બાદ કાર્તિક આર્યને તેની ફીમાં વધારો કરી દીધો હતો. આ ઉપરાંત ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરતા ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કાર્તિક આર્યનને 4 કરોડની કાર પણ ગિફ્ટમાં આપી હતી.
આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે દેશની આ મહિલાઓ રહી ચર્ચામાં !
ગંગુબાઈ કાઠિયાવાડી
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ પર આધારિત હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળી હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મે પડદા પર 200 કરોડની કમાણી કરી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ
અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 700 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ, આ ફિલ્મ વર્ષના માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. પહેલા દિવસે ફિલ્મે માત્ર 3.36 કરોડની કમાણી કરી હતી. પરંતુ પછી આ ફિલ્મ કાશ્મીર સાથેના કનેક્શનને કારણે એટલી ચર્ચામાં આવી કે તેની સ્ક્રીનને વધારીને 2000થી વધુ કરવામાં આવી. આ પછી ધ કાશ્મીર ફાઇલ્સે ઘણી કમાણી કરી છે. આ ફિલ્મે દેશભરમાં લગભગ 344 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચો : Flash Back 2022 : આ વર્ષે આ મહાન ભારતીયોએ દુનિયાને કહ્યું ‘અલવિદા’
બ્રહ્માસ્ત્ર
બોક્સ ઓફિસ પર ‘બ્રહ્માસ્ત્ર’ની કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો હતો, વર્ષ દરમ્યાન ફિલ્મે લાખોની કમાણી કરી હતી. પૌરાણિક કથાઓ પર આધારિત, બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અને શાહરૂખ ખાન પણ કેમિયો રોલમાં હતા. દિગ્દર્શક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ રિલીઝ થયા બાદ 425 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું હતું.
આ સિવાય આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘રનવે 34’એ 28.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે દિવાળીમાં રિલીઝ થયેલી ‘થેન્ક ગોડ’એ 35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ બંને ફિલ્મો એટલો સારો દેખાવ કરી શકી નથી.