બનાવટી વીમા દાવા સંબંધિત કેસમાં પાંચ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા
- સીબીઆઈ કોર્ટે તમામને રૂ.23.5 લાખનો દંડ ફટકાર્યો
અમદાવાદ, 31 ડિસેમ્બર : નકલી વીમા દાવા સંબંધિત કેસમાં 05 આરોપી દિનેશ પુરુષોત્તમદાસ પટેલ, સંજય આર. ચિત્રે, મનન ડી. પટેલ, શિશુપાલ રાજપૂત અને અમરસિંગ બિયાલભાઈને સીબીઆઈ કેસો માટેના વિશેષ ન્યાયાધીશે પાંચ વર્ષની સખત કેદ અને કુલ રૂ. 23.5 લાખનો દંડ ફટકાર્યો હતો.
સીબીઆઈએ 30.01.2003ના રોજ તત્કાલિન સિનિયર ડિવિઝનલ મેનેજર, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL), નવસારી (ગુજરાત) અને અન્યો વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારી કર્મચારીઓએ ખાનગી વ્યક્તિઓ સાથે મળી ગુનાહિત કાવતરું ઘડ્યું અને બનાવટી દસ્તાવેજોના આધારે વીમાના દાવા મંજૂર કર્યા હતા. જેનાથી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને નુકસાન થયું હતું.
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે સિનિયર ડિવિઝનલ મેનેજરના જણાવ્યા અનુસાર આરોપીએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને બનાવટી દસ્તાવેજોના આધારે વીમા દાવા મંજૂર કર્યા હતા. જેના કારણે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને 1999 – 2000નાં સમયગાળા દરમિયાનની એક પોલિસીમાં રૂ. 4,89,488નું નુકસાન થયું હતું.
આરોપીઓ વચ્ચે ઘડાયેલા ગુનાહિત કાવતરા મુજબ મનન પટેલ અને દિનેશ પટેલે વીમા કંપની પાસે તેમના રસાયણોનો વીમો લીધો હતો અને ખોટના સંદર્ભમાં બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને વીમા કંપનીમાં દાવો દાખલ કર્યો હતો . એસ.આર. ચિત્રેએ આ બનાવટી દસ્તાવેજોના આધારે દાવાની આકારણી કરી અને અકસ્માતને સાચો બતાવતા ફોટા ગોઠવ્યા હતા.
જ્યારે આરોપી અમરસિંગ બિયાલભાઈ, જે તત્કાલીન એએસઆઈ/ઈન્ચાર્જ ચોકી મેહોલ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ (એએસઆઈ, જાંબુખેડા પો. સ્ટે., જિલ્લા પંચમહાલ) ખોટી એફઆઇઆર અને પંચનામુ લખી આ નુકશાનને સાચું સાબિત કર્યુ હતું. આરોપી શિશુપાલ, રિકવરી એજન્ટે બેંક દ્વારા રિકવરી રકમની વ્યવસ્થા કરી હતી. જેથી તમામ વ્યવહાર સાચા લાગે.
તપાસ પૂર્ણ કર્યા પછી સીબીઆઈ દ્વારા 24.06.2005ના રોજ એસ.એ.પરમાર, તત્કાલીન સિનિયર ડિવિઝનલ મેનેજર, (ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, ડિવિઝનલ ઓફિસ, નવસારી), એસ.આર. ચિત્રે સર્વેયર/લોસ એસેસર, મેસર્સ એસ.આર. ચિત્રે એન્ડ કંપની, મનન દિનેશભાઈ પટેલ, મેસર્સ પ્રી-કેમ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરામાં ભાગીદાર (ખાનગી વ્યક્તિ), દિનેશ પરસોત્તમદાસ પટેલ, ખાનગી વ્યક્તિ, શિશુપાલ રાજપૂત, એજન્ટ તપાસ અધિકારી (ખાનગી વ્યક્તિ) અને અમરસિંહ બિયાલભાઈ, તત્કાલીન ASI અને આઉટપોસ્ટ ઈન્ચાર્જ, મહેલોલ સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષના 25 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપીઓ સામેના આરોપોના સમર્થનમાં 228 દસ્તાવેજો/પ્રમાણો પર આધાર રાખવામાં આવ્યો હતો. સુનાવણી પછી, કોર્ટે ઉપરોક્ત તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં જાહેર સેવક એસ.એ. પરમાર કે જેઓ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા છે, તેથી તેમની સામેના આરોપો ઓછા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :- ભુજમાં જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરી નવા વર્ષની ઊજવણી કરાઈ