સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં હાજર રહેનાર 300 વિદેશી મહેમાનો માટે ફાઈવસ્ટાર હોટેલો બુક કરાઈ
સુરત, 16 ડિસેમ્બર 2023, આવતીકાલે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. આ માટે દેશ વિદેશના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હોંગકોંગ, ચીનથી 300થી વધુ મહેમાન ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં હાજરી આપશે. તેમના રહેવા માટે સુરતની ફાઈવ સ્ટાર હોટેલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી હીરાનો વેપાર વિશ્વના લગભગ તમામ દેશોમાં થઈ રહ્યો છે.
મુંબઈ સહિતના શહેરોમાંથી હીરા વેપારીઓ ઉપસ્થિત રહેશે
સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમારોહમાં વિદેશમાં વસતા ડાયમંડ વેપારીઓ, બાયરો સુરતમાં આવે તે રીતેનું આયોજન સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. અહીં માત્ર સુરત જ નહીં, પરંતુ મુંબઈ સહિતના શહેરોમાંથી હીરા વેપારીઓ ઉપસ્થિત રહેશે. હીરાનું વેચાણ કરતાં, હીરા વેપારી સાથે સંકળાયેલા, હીરાની ખરીદી કરતાં હજારો લોકોને સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરતમાં આવનાર મહેમાનો માટે 3 ફાઇવસ્ટાર હોટલોમાં રૂમો બુક કરવામાં આવ્યા છે.
70,000 જેટલી આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરાઈ
સુરત ડાયમંડ બુર્સના મીડિયા કન્વીનર દિનેશ નાવડીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સના ઉદઘાટનને લઈને 70,000 જેટલી આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે. 10થી 15 હજાર આમંત્રણ કાર્ડ વિદેશમાં જેમ્સ અને જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને મોકલવામાં આવી છે. આમંત્રણના આધારે જેમનું કન્ફર્મેશન મળ્યું છે તેવા 300થી વધુ વિદેશી મહેમાનો હાજર રહેશે. વિદેશી મહેમાનોમાં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરતા, વેલીનો રિટર્ન શોપ ધરાવતા, કટ અને પોલીસ્ડનું ટ્રેડિંગ કરતાં મોટા ભાગે લોકો હાજર રહેશે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હોંગકોંગ, ચીન સહિતના દેશોમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચોઃ સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો