ખેડામાં આયુર્વેદિક સીરપ પીવાથી પાંચના મૃત્યુ થયા હોવાની પોલીસને આશંકા
નડીયાદ, 30 નવેમ્બર, ખેડામાં પાંચ યુવકોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટનાને લઈને ખેડા એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ખેડામાં પાંચ લોકોના મૃત્યુ મામલે તપાસ કરી રહી છે. આ તરફ ખેડા SPએ કહ્યું કે, પાંચ લોકોના મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. ખેડા પોલીસે આ ઘટનામાં ત્રણ શખ્સોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને એક આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોવાની શંકા છે.
મૃત્યુની જાણ પોલીસને કરવામાં નથી આવી
ખેડાના એસપી રાજેશ ગઢિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં પોલીસને માહિતી મળી હતી કે, મિતેષ ચૌહાણ બગડું ગામમાં એક પ્રસંગમાં ગયા હતા. જ્યાં જમીને સુઈ ગયા હતાં તેમને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ લઇ જતી વખતે જ તેમનું મૃત્યુ થયું હતુ. તેમની અંતિમ વિધિમાં તેમના જીજાજી અલ્પેશ સોઢાને પણ ચેસ્ટ પેઇન થયું હતું. તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બિલોદરા ગામના ત્રણ વ્યક્તિ અશોકભાઇ, નટુભાઇ અને અર્જુનભાઇ. અશોકભાઇનું પણ આ રીતે જ મૃત્યુ થયું હતુ. આ તમામ મૃત્યુની મૃતકના પરિવારોએ કે હોસ્પિટલે પોલીસને જાણ કરી ન હતી.
આ પણ વાંચોઃ પાલનપુર અમદાવાદ હાઈવે પર સ્કોર્પિયો કારે બે વાહનોને અડફેટે લીધા, 8 મુસાફરો ઈજાગ્રસ્ત
મિથાઇલ આલ્કોહોલ આયુર્વેદિક સિરપમાં કેવી રીતે આવ્યો
પોલીસને આ મોત મામલે શંકા જતાં પોલીસે મહાગુજરાત હોસ્પિટલમાં પાંચમા દર્દી નટુભાઇ સોઢા દાખલ હતા ત્યાં જઇને ડોક્ટર અને પરિવાર સાથે વાત કરી હતી. નટુભાઇનું મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનોને સમજાવ્યા કે, તેમનું પોસ્ટમોર્ટમ કરાવો તો ખબર પડે કે તેમનું મૃત્યુ શેના કારણે થયું છે.પોલીસને એક સિરપને કારણે આ તમામ મૃત્યુ થયા હોવાની શંકા ગઈ છે.આ અંગેની તપાસમાં ફૂડ એન્ડ ડ્ગના અધિકારી અને એફએસએલના અધિકારી અમારી સાથે જોડાયા છે.આ સિરપ કરિયાણાની દુકાનમાં મળતી હતી.બે વ્યક્તિના બ્લડ સેમ્પલની તપાસમાં અનેક વસ્તુનો ખુલાસો થયો છે. આ આયુર્વેદિક સિરપ માંથી મિથાઇલ આલ્કોહોલ મળી આવ્યુ છે. પરંતુ ઇથાઇલ આલ્કોહોલ મળ્યો નથી. આ મિથાઇલ આલ્કોહોલ આયુર્વેદિક સિરપમાં કેવી રીતે આવ્યો એની તપાસ ચાલુ છે.
100 રૂપિયાની બોટલ લાવીને 130 રૂપિયામાં વેચતો
જે 50થી 60 લોકોને આ સિરપ વેચવામાં આવી હતી જેમાંથી પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને બે લોકોને અસર થઇ છે. બિલોદરા ગામના જે ત્રણ લોકોના મૃત્યુ થયાં છે તેમણે આ સિરપ પીધાની આશંકા છે. સિરપ વેચનાર દુકાનદાર ગઈકાલે ફરાર થઇ ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. એસપી, રાજેશ ગઢિયાએ જણાવ્યુ છે કે, આ કિશોર 100 રૂપિયાની બોટલ લાવીને 130 રૂપિયામાં વેચતો હતો. તેણે જે લોકોને આ સિરપ વેચી હતી તેમના નામનું એક લિસ્ટ બનાવીને તમામ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ અન્ય કોઇની તબિયત ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. કિશોરના પિતા શંકરભાઇએ પણ દુકાનમાંથી આ સિરપની બોટલ પીધી હતી અને તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.