અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમા ઘઉંની બોરીઓ પડતાં પાંચ મજૂરો દબાયા, એકનું મોત
અમરેલી, 07 સપ્ટેમ્બર 2024, નવા માર્કેટિંગ યાર્ડમાં સ્થિત એક ગોડાઉનમાં ઘઉંની બોરીઓ ઉતારતા સમયે અચાનક જ કેટલીક બોરીઓ નીચે પડતાં પાંચ મજૂરો દબાઈ ગયા હતાં. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જ્યારે અન્ય ચારને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરોમાં દોડધામ મચી હતી.
ઘઉંની બોરીઓ ધસી પડતા પાંચ મજૂરો દબાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. અકસ્માતે ઘઉંની બોરીઓ ધસી પડતા પાંચ મજૂરો દબાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે જયંતીભાઈ ભેસાણીયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી. જે ઉતારતા સમયે બનાવ બન્યો છે.
આ પણ વાંચોઃદ્વારકાથી અમદાવાદ આવતી પોલીસ કારને અકસ્માત, 1 કર્મચારીનું મૃત્યુ