ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂંછમાં થયેલા આતંકી હુમલોમાં પાંચ જવાન શહીદ, જાણો કોણે લીધી જવાબદારી ?

  • ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના સેનાના બે વાહનો પરના હુમલામાં બે જવાન ઘાયલ
  • જૈશ-એ-મોહમ્મદના સંગઠન એવા PAFFએ આતંકી હુમલાની લીધી જવાબદારી : અધિકારી

જમ્મુ કાશ્મીર, 22 ડિસેમ્બર : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ગુરુવારે સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે અને બે ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે, જૈશ-એ-મોહમ્મદના સંગઠન એવા પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)એ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષા દળો આતંકીવાદીઓને શોધી રહ્યા છે. 12 કિલોમીટરના ગાઢ જંગલમાં આતંકવાદીઓને શોધવાનું પડકારજનક છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

 

વાહનો સૈનિકોને સર્ચ ઓપરેશન સ્થળ પર લઈ જઈ રહ્યા હતા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળના ઢેરા કી ગલી અને બફલિયાઝ વચ્ચેના ધત્યાર વળાંક પર ગુરુવારે બપોરે 3.45 વાગ્યાની આસપાસ સૈન્યના જવાનોને કોર્ડન અને સર્ચ ઓપરેશનના સ્થળે લઈ જઈ રહેલા વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ હુમલાની સખત નિંદા કરી છે. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF), લશ્કર-એ-તૈયબા (LeT) ની પાકિસ્તાન સ્થિત પાંખે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જમ્મુમાં સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે કહ્યું કે, આતંકવાદીઓની ઉપસ્થિતિ વિશે “મજબૂત બાતમી”ના આધારે, પૂંછ જિલ્લાના ઢેરા કી ગલી વિસ્તારમાં બુધવારે રાત્રે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓએ જવાનોના હથિયારો છીનવી લીધા હતા

અધિકારીઓએ જણાવ્યું કે, સૈનિકો સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ બે વાહનો – એક ટ્રક અને એક જીપ્સી પર ગોળીબાર કર્યો હતો. સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, સૈન્ય દળોએ આ હુમલાનો ઝડપથી જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે, ચાલુ ઓપરેશનમાં પાંચ જવાનો શહીદ થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવી સંભાવના છે કે આતંકવાદીઓ હુમલો કરનારા જવાનોના હથિયારો લઈ ગયા હોઈ શકે છે. રાજૌરી, પૂંછ અને રિયાસી જિલ્લામાં આ વર્ષે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 19 સુરક્ષા જવાનો શહીદ થયા છે અને 28 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં કુલ 54 લોકો માર્યા ગયા છે.

આ પણ જુઓ :જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, જંગી દારૂગોળા સાથે 2ની ધરપકડ

Back to top button