ગુજરાતના પાંચ મહાનુભાવોનું થશે “માતૃભાષા ગૌરવ પુરસ્કાર”થી સન્માન
ગાંધીનગર, 8 ડિસેમ્બરઃ ગાંધીનગરસ્થિત માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ચાલુ વર્ષે એવા પાંચ મહાનુભાવોનું સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમણે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે પ્રશંસનીય કામગીરી કરી હોય. આ વર્ષે ગુજરાતી ભાષાનું આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર મહાનુભાવોમાં પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર ડૉ. સતીશ વ્યાસ, શિક્ષણક્ષેત્રે સક્રિય એવાં શ્રીમતી હેતલબહેન મહેતા તથા ડૉ. ધવલ વ્યાસ ઉપરાંત ભાષાસંવર્ધન માટે નિષ્ઠાપૂર્વક સક્રિય એવાં શ્રીમતી દર્શનાબહેન કિકાણી અને શ્રી નાથાલાલ દેવાણીનો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર સન્માન સમારંભ આગામી 23 ડિસેમ્બર, 2023ને શનિવારે ગાંધીનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સભાગૃહ, સેક્ટર 10-એ ખાતે સાંજે 4.30 વાગ્યે યોજાશે.
રાજ્યમાં શિક્ષકો, પત્રકારો, અન્ય સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તથા સામાન્ય ગુજરાતીઓમાં માતૃભાષા વિશે જાગૃતિ અને સજ્જતા કેળવાય તે હેતુથી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન છેલ્લા ઘણાં વર્ષથી સક્રિય અને પ્રશંસનીય કામગીરી કરે છે. આ પ્રતિષ્ઠાન શિક્ષકો માટે તેમજ પત્રકારો માટે નિયમિત કાર્યશાળાનું પણ આયોજન કરે છે. પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં દર મહિને એક વખત ભાષા સજ્જતાની કાર્યશાળાનું આયોજન પણ કર્યું હતું.
આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર ડૉ. સતીશ વ્યાસનું નામ ગુજરાતી સાહિત્ય રસિકો માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષાને જીવનપર્યંત પોતાની મૌલિક ક્ષમતાઓથી ધબકતી રાખનાર ડૉ. સતીશ વ્યાસ નાટ્યકાર, વિવેચક, કવિ છે. ધંધુકા તાલુકાના રોજકામાં 1943ની 10મી ઑક્ટોબરે જન્મેલા ડૉ. વ્યાસે પ્રારંભમાં ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે.
શ્રી રમેશ ર. દવેએ ગુજરાતી વિશ્વકોશમાં સતીશભાઈ વિશે લખેલા વિગતવાર લેખ અનુસાર, ડૉ. વ્યાસનાં અન્ય સર્જનમાં શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ (૧૯૮૪) જેવા વિવેચનગ્રંથો ઉપરાંત ‘આયામ’ (1986), ‘નૂતનનાટ્ય આલેખો’ (1988), 26 નાટ્યવિવેચનો અને નાટ્યમંચન-સમીક્ષા ધરાવતું ‘પ્રતિમુખ’ (1992), સાહિત્યસિદ્ધાંતો અને સંપ્રત્યયો (સહલેખન, 1987), ‘વાસ્તવવાદ અને નિસર્ગવાદ’ (1990), વિવિધ સાહિત્યસ્વરૂપોની 20 કૃતિ-સમીક્ષાઓનું ‘કૃતિરાગ’ (1994) અને ‘તથા’ (1998) નોંધપાત્ર છે. બહુશ્રુત વાચક અને સતત અભ્યાસશીલ રહેલા આ વિદ્યાર્થી-વત્સલ અધ્યાપકે અધ્યાપનકાર્યની ઉપનીપજ રૂપે કેટલાંક ઉપયોગી સંપાદનો સ્વતંત્રપણે કે અન્ય સાથે કર્યાં છે. એમાં 20 કાવ્યકૃતિઓ ધરાવતું ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’ (1986), ‘નવ લઘુનાટકો’ (1987), ‘કલશોરભરેલું વૃક્ષ’ (1995), ‘રાઈનો પર્વત’ (1994), ‘અદ્યતન દીર્ઘ કવિતા’ (1994), ‘યશવંત પંડ્યાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1995), ‘ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1996), ‘ભદ્રંભદ્ર’ (1996), 25 પૃષ્ઠોની સમીક્ષાત્મક તેમજ સંદર્ભસામગ્રી સાથે સર્જકનાં તમામ એકાંકી સમાવી લેતું, ‘યશવંત પંડ્યાનાં એકાંકી’ (1999), ‘મિથ્યાભિમાન’ (2000), સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી એકાંકીઓનું પ્રતિનિધિત્વ કરતું ‘ગૂર્જર એકાંકી’ (2000), ‘ગૂર્જર અદ્યતન એકાંકી’ (2000) અને રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતા-દુ:ખદર્શક’(2000)નો સમાવેશ થાય છે.
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા જે અન્ય મહાનુભાવોનું સન્માન થવાનું છે તેવા શ્રીમતી હેતલબેન મહેતા શિક્ષણ ક્ષેત્રે સક્રિય હોવાની સાથે સાહિત્ય લેખન કરે છે. હજુ થોડા સમય પહેલાં જ બાળલઘુનવલ ‘અમારે મોન્ટી જેવા થવું છે’ ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક દ્વિતીય પુરસ્કાર મેળવનાર હેતલબેનને તેમની પ્રથમ નવલકથા “વિમળા” ને પ્રતિલિપિ સુપર રાઈટર્સ એવોર્ડ -5 માં દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું હતું.
એ જ રીતે શિક્ષક તરીકે સેવા આપતા ડૉ. ધવલ વ્યાસ પણ ગુજરાતી ભાષાના સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે નિષ્ઠાપૂર્વક સક્રિય છે અને તેઓ પણ વિવિધ પુરસ્કાર જીતી ચૂક્યા છે.
શ્રીમતી દર્શાબહેન કિકાણી તથા શ્રી નાથાભાઈ દેવાણીને દીર્ઘદૃષ્ટિ અને આત્યંતિક નિષ્ઠાથી માતૃભાષા માટે વૈવિધ્યપૂર્ણ પ્રદાન બદલ “માતૃભાષા વિશિષ્ટ સેવાસન્માન” એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં 10,000 યાત્રાળુ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છેઃ ચંપતરાય