કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી પાંચના મોત

રાજકોટ, 25 ડિસેમ્બર : રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે થતાં મોતની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે તેવામાં આજે એકજ દિવસમાં પાંચ વ્યક્તિઓના હૃદય રોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં એક વૃદ્ધા, બે આધેડ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

રાત્રે છાતીમાં દુઃખાવાની કરી હતી ફરિયાદ

મળતી માહિતી મુજબ રાજકોટની ભાગોળે ભીંચરીમાં આવેલી ખાનગી કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને ત્યાંજ કવાર્ટરમાં રહેતા જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.49) આજે વહેલી સવારે પોતાના ઘરે કોઇ કારણોસર બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, મૃતક જીવાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તેના પુત્ર સાગરે જણાવ્યું હતુ કે, ગત રાત્રે તેના પિતા છાતિમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેને એક દવા આપી હતી જે બાદ તેઓ સૂઇ ગયા હતા અને સવારે બેભાન થઇ ગયા હતા જેથી સારવારમાં ખસેડાતાં તબીબોએ હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું.

જામનગરથી ભાઈના ઘરે આવ્યા હતા વૃદ્ધા

બીજા બનાવમાં જામનગરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા નીરુબેન બિપીનભાઇ વારિયા (ઉ.વ.63) ગઇકાલે તેમના પતિનું દાંતનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ સર્વેશ્ર્વર ચોક ખાતે રહેતાં ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે આવ્યા હતા જ્યાં રાત્રે સૂતા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા જેથી વહેલી સવારે તેને હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

મહિલા બેભાન થઈ ગયા હતા

ત્રીજા બનાવમાં મવડીનાં જશરાજનગરમાં બાપા સીતારામ ચોક શેરી નં-3માં રહેતા કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.49) પોતાના ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબીબોએ હાર્ટ એટેકથી તેમનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતાં મૃતકને સંતાનમાં એક પુત્ર છે તેના પતિ વાળંદની દુકાનમાં કામ કરે છે.

પ્રૌઢા બાથરૂમમાં પડી ગયા હતા

ચોથા બનાવમાં જંગલેશ્ર્વરનાં ભવાની ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ધીરુબેન પ્રફુલભાઇ વાડોલિયા (ઉ.વ.45) સવારે બાથરૂમમાં ગયા હોય જ્યાં તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા જેથી પડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને દરવાજો તોડી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબીબોએ હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતા તેમને સંતાનમાં એક દિકરો છે અને તેના પતિ મિસ્ત્રી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

આધેડ સૂતા બાદ ઉઠ્યા જ નહીં

પાંચમા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ બંસી પાર્કમાં રહેતા જેઠા ઘેલા સોહલા (ઉ.વ.44) નામના ભરવાડ આધેડ પોતાના ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ હાર્ટ એટેકથી તેનું મોત થયાનું જાહેર કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતા મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં વચેટનાં હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાહેર કર્યું હતું. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે.

Back to top button