ઈંદોર નજીક ફરવાની પાંચ બેસ્ટ જગ્યાઓ, મોનસુનમાં વધશે મજા
- જો તમે નવી નવી જગ્યાઓ ફરવાનો શોખ ધરાવતા હો તો ઈંદોર નજીક ફરવાની જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. કેટલાક સ્થળો પ્રવાસીઓમાં એટલા લોકપ્રિય છે કે રેલવે દ્વારા ત્યાં માટે સ્પેશિયલ ટ્રેન ચલાવાય છે
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની દુનિયામાં એક આગવી ઓળખ છે. દેશનું નંબર વન સ્વચ્છ શહેર હોવા ઉપરાંત ખાવા-પીવાની બાબતમાં પણ ઈન્દોર બેસ્ટ છે. ચોમાસામાં અહીંની મુલાકાત ખૂબ જ અદ્ભુત બની શકે છે. ઈન્દોરની નજીક ઘણા પ્રવાસન સ્થળો છે જ્યાં વરસાદ દરમિયાન કુદરતી સૌંદર્ય વધી જાય છે. કેટલાક સ્થળો પ્રવાસીઓમાં એટલા લોકપ્રિય છે કે રેલવે દ્વારા ત્યાં માટે સ્પેશિયલ ટ્રેન ચલાવાય છે. જો તમે નવી નવી જગ્યાઓ ફરવાનો શોખ ધરાવતા હો તો ઈંદોર નજીક ફરવાની જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. આવો જાણીએ ઈંદોરની નજીકના ફેમસ ટુરિસ્ટ પ્લેસ વિશે.
પાતાળ પાણી, કાલાકુંડ
ચોમાસા દરમિયાન પાતાળ પાણી અને કલાકુંડની યાત્રા ખૂબ જ યાદગાર બની શકે છે. આ બંને સ્થળોની સુંદરતા વરસાદની સીઝનમાં ખૂબ જ વધી જાય છે. આ સ્થળો પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, તેથી જ અહીં ફરવા માટે ખાસ હેરિટેજ ટ્રેનો ચલાવવામાં આવે છે. સેંકડો ફૂટ ઉપરથી પડતો પાતાળ પાણીનો ધોધ અને કાલાકુંડની નદી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે.
માંડૂ
ધાર જીલ્લા હેઠળ આવેલું માંડુ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે. આ શહેરમાં ઘણા કિલ્લાઓ આવેલા છે અને ઈન્દોરથી લગભગ 100 કિલોમીટરના અંતરે છે. અહીં જહાઝ મહેલ, હિંડોળા મહેલ, રાની રૂપમતી મંડપ સહિત ઘણા પ્રવાસન સ્થળો છે. વરસાદના દિવસોમાં માંડુની સુંદરતા જોવા લાયક છે.
તિંછા ફોલ
તિંછા ફોલ ઈન્દોરથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલો છે. વરસાદ દરમિયાન અહીંનો ધોધ જોવાલાયક બની જાય છે. ધોધમાંથી પડતું ચમકતું સફેદ દૂધ જેવું પાણી દરેકના આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ પ્રેમીઓ અહીં આવીને સમય વિતાવે છે.
જાનાપાવ
પ્રવાસીઓ ચોમાસા દરમિયાન જાનપાવની મુલાકાત લે છે. જાનપાવ ટેકરી માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં પરંતુ ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે. આ સ્થાનને ભગવાન પરશુરામનું જન્મસ્થળ માનવામાં આવે છે. પહાડની ટોચ પર એક તળાવ છે જે ચંબલ નદીનું ઉદગમ સ્થાન છે. આ બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ પણ છે.
ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર મંદિર
ઈંદોરમાં આવેલું ઓમકારેશ્વર મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. જ્યારે મહાકાલેશ્વર મંદિરમાં વિશ્વભરમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ સ્થળ ઈન્દોરથી લગભગ 45 કિલોમીટરના અંતરે આવેલું છે. બાબા મહાકાલના શહેરમાં પહોંચવા માટે ઈન્દોર સૌથી નજીકનું એરપોર્ટ છે.
આ ઉપરાંત અહીંથી ટ્રેન અને રોડ કનેક્ટિવિટી પણ ઉત્તમ છે. મહાલેશ્વર મંદિર ઉપરાંત, ઉજ્જૈનમાં કાલ ભૈરવ મંદિર, મંગલનાથ મંદિર, હરસિદ્ધિ માતા મંદિર સહિત ઘણા પ્રવાસન અને ધાર્મિક સ્થળો છે.
આ પણ વાંચોઃ વરસાદમાં લોનાવાલાની ટ્રિપ બનશે એકદમ ખાસ, ચાર જગ્યાઓ કરો એક્સપ્લોર