રાજ્યમાં પ્રથમ વખત ધાર્મિક પ્રસંગે સરકારી યોજનાઓનો કરાયો પ્રચાર
અંજાર: કચ્છમાં ધાર્મિક પ્રસંગમાં સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર માટે પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જિલ્લાના અંજારમાં ‘પ્રેમકુંજ’માં પંકજ કોઠારી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સ્ટોલ રાખવામાં આવેલ હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ- બેટી પઢાઓ’ સેલ અન્વયે ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન (DHEW)ની સમગ્ર ટીમ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર કરાયો હતો.
ઓડિયો મારફતે યોજના વિશે માહિતી જણાવી
કથામાં આવેલા પ્રેક્ષકોએ મહિલાલક્ષી માહિતી આપતા સ્ટોલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાથી વંચિત બહેનોને અરજી કરવા માટેની પ્રક્રિયા સરળ રીતે બતાવવામાં આવી હતી. રાત્રિના પ્રોગ્રામમાં ઓડિયો ઝીંગલના માધ્યમથી મહિલા સુરક્ષા તથી યોજનાકીય સંદેશાઓ પહોચાડવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ધાર્મિક કાર્યક્રમમાં સરકારના કાર્યોનો પ્રચાર કરાયો હોય.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી DHEWના DMC ફોરમબેન વ્યાસ અને SFL પૂજાબેન પરમાર તથા OSCના કેસ વર્કર, PBSC સેન્ટર-ગાંધીધામના કાઉન્સેલર જોડાયા હતા. સમગ્ર પ્રચાર પ્રસારમાં ભાગવત કથાનું આયોજન સંભાળતા ધનજીભાઈ કેરાસીયાનો સહકાર પ્રાપ્ત થયો હતો તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: સુરતમાં કારખાનામાં આગ લાગતા 6 કામદાર ફસાયા, 250 ટન યાર્નનો જથ્થો બળીને ખાખ