રખડતા ઢોર મામલે AMC સામે પહેલી વખત પોલીસ ફરિયાદ દાખલ, જાણો શું છે સમગ્ર ઘટના
તાજેતરમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસથી સામાન્ય જનતાનો ભોગ લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)સામે રખડતા ઢોરના મામલે ફરિયાદ નોંધાવાની પ્રથમ ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાના ભાવિન પટેલના મૃત્યુ કેસમાં AMC ના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠ્યા બાદ આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ફરિયાદ થઈ છે.
નરોડામાં ભાવિન પટેલનું રખડતા ઢોરના કારણે મૃત્યુ થયું હતું જે બાદ તેમના પરિવારજનોએ AMC ના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતા પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગુનો નોંધાયા બાદ AMC ના અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહીની માંગ ઉઠી છે.
થોડાં દિવસ પહેલાં જ રસ્તે રખડતા ઢોરનો શિકાર બનેલ ભાવિન પટેલ અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ઢોરે તેમને અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પંહોચી હતી. ઇજાગ્રસ્ત ભાવિનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ હોવાનો તબીબી રિપોર્ટ આવ્યો હતો. તાત્કાલિક ધોરણે સારવાર હાથ ધરવામાં આવી હોવા છતાં ભાવિનનું ગંભીર ઇજા બાદ સારવારમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં રખડતી રંજાડનો આતંક, યુવકનું મોત-જવાબદાર કોણ ?
આ પછી ભાવિનના મૃત્યુથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે કેમકે પરિવારમાં કમાણી કરનાર તે એકમાત્ર વ્યક્તિ હતો. ભાવિનને પરિવારમાં બે નાની દીકરીઓ છે તે પોતાની પત્ની સાથે નરોડા વિસ્તારમાં રહેતો હતો. જે તમામ પરિસ્થિતિ માટે પરિવારે પોતાનો આક્રોશ અને રખડતા ઢોર સામે કડક કાર્યવાહી માટે AMC સામે ઢોરના માલિક સામે ફરિયાદ કરી છે.
રસ્તે રખડતા ઢોર મુદ્દે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેમાં ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે સોમવારે રાજ્ય સરકારને રખડતા ઢોરના હુમલામાં કથિત રીતે માર્યા ગયેલા વ્યક્તિના અન્ય એક ઉદાહરણ તરફ ધ્યાન દોરતા આગામી સુનાવણીની તારીખે રખડતા ઢોરની સમસ્યા અંગે કોર્ટના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર રહેવા ચેતવણી આપી હતી. જેના અંગે કોર્ટમાં સુનાવણી ગુરુવારે 6 ઓક્ટોબરે રાખવાની માંગ થઈ છે.
આ પણ વાંચો : ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની મુદ્દતમાં કરાયો વધારો