આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, 25,430 મતદાન મથકો પર 34,325 બેલેટ યુનિટનો ઉપયોગ થશે, 1.06.963 અધિકારીઓ તહેનાત રહેશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પ્રથમ તબકકાનું મતદાન આવતીકાલે એટલે કે 1લી ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 2 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ત્યારે મતદાનની તૈયારીને લઈને ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મથકો અને મતદાન સ્ટાફનું જરૂરી તમામ આયોજન થઈ ગયું છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના EVM અને VVPAT પણ તૈયાર થઈ ગયા છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં પુરૂષ મતદારની સંખ્યા 1,24,33,362 જ્યારે મહિલા મતદારની સંખ્યા 1,15,42,811 છે. આ ઉપરાંત 497 જેટલાં ત્રીજી જાતિના મતદારો છે.
પ્રથમ તબક્કામાં 9,606 સર્વિસ મતદારો મતદાન કરશે
રાજ્યમાં સર્વિસ વોટરની કુલ સંખ્યા 27,877 છે. પ્રથમ તબક્કામાં 9,371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9,606 સેવા મતદારો જ્યારે બીજા તબક્કામાં 17,607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
2022માં 823 NRI મતદારો નોંધાયા
વિધાનસભાની ચૂંટણી 2022માં વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 823 ભારતીય મતદારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં 125 પુરૂષ અને 38 મહિલાઓ થઈ કુલ 163 મતદારો તથા બીજા તબક્કામાં 505 પુરૂષ અને 155 મહિલાઓ મળી 660 વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
પ્રથમ તબક્કામાં 718 પુરુષ, 70 મહિલા ઉમેદવાર
બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવાર છે. જ્યારે બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા મળી કુલ 833 ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યું છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1,482 પુરૂષ અને 139 મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ-અપક્ષના કુલ 1,621 હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
શહેરી વિસ્તારના 3,331 ,ગ્રામીણ વિસ્તારના 16,416 મથકો પર મતદાન
રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથકો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં 29,357 મતદાન મથક સ્થળો પર કુલ 51,839 મતદાન મથક આવેલા છે.
પ્રથમ તબક્કામાં 34,325 બેલેટ યુનિટ ઉપયોગ થશે
રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 VVPATનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 VVPAT જ્યારે બીજા તબક્કામાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 VVPATનો ઉપયોગ કરવામાં આવશે.
જ્યારે મોરબી વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારો હોવાથી 2 બેલેટ યુનિટ તથા સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 3 બેલેટ યુનિટ વપરાશે.
2,20,288 તાલીમબદ્ધ અધિકારીઓ ફરજ બજાવશે
ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ 2,20,288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.
આ છે પ્રથમ તબક્કાના મુખ્ય ઉમેદવારો
પ્રથમ તબક્કાના મોટા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી છે, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી, છ વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, મોરબીના ‘નાયક’ કાંતિલાલ અમૃતિયા, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે.