પાકિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે તેનું શું? યુએનમાં ભારતે મારી લપડાક
- UNમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે બોલતા ભારતનો જડબાતોડ જવાબ
પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બંધ કરે : ભારત
POK તાત્કાલિક અસરથી ખાલી કરવામાં આવે : ભારત
UN: સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં ભારતે આજે વધુ એક વખત પાકિસ્તાની અપપ્રચારનો જોરદાર જવાબ આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને વધુ એક વખત ઉઘાડું પાડી દીધું હતું. પાકિસ્તાને તેની આદત મજબ ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં પાકિસ્તાનનાં કાર્યવાહક પ્રધાનમંત્રી અનવારૂલ હક કાકરે શુક્રવારે (22 સપ્ટેમ્બરે) યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 78મી બેઠકને સંબોધન કરતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કાશ્મીરનો પ્રસ્તાવ પાસ કરવા અને મિલીટરી ગોઠવવાની માંગ કરી હતી.
પાકિસ્તાનના આ કાયમી અપપ્રચાર એજન્ડાનો 23 સપ્ટેમ્બરે ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે જડબાતોડ જવાબ આપ્યો હતો. સુશ્રી પેટલે કહ્યું કે, પાકિસ્તાને સૌપ્રથમ પોતાના માનવ અધિકાર રેકોર્ડ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. યુએન ખાતેના ભારતીય પ્રતિનિધિ પેટલે કહ્યું કે, પાકિસ્તાનમાં હજુ થોડા મહિના પહેલાં જ ખ્રિસ્તીઓ ઉપર ખૂબ મોટા પાયે હુમલા થાય છે. ખ્રિસ્તીઓની 91 ચર્ચ સળગાવી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ખ્રિસ્તીઓના અગણિત ઘર પણ સળગાવી દેવામાં આવ્યા હતા. સુશ્રી પેટલે કહ્યું કે, સમગ્ર પાકિસ્તાનમાં હિન્દુઓ સહિત અન્ય લઘુમતીઓ સાથે મોટાપાયે ભેદભાવ થાય છે, બળજબરીથી ધર્માંતર થાય છે, એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના જ માનવ અધિકાર પંચના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં પ્રતિવર્ષ 1000 મહિલાઓનાં અપહરણનાં અપહરણ અને ધર્માંતર થઈ રહ્યા છે.
શું આપ્યો ભારતનાં ફર્સ્ટ સેક્રેટરીએ જવાબ ?
સયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરીએ જવાબ આપતા જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે. પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો કોઈ અધિકાર નથી. પ્રત્યુતરનાં અધિકારનો ઉપયોગ કરતાં પેટલ ગહલોતે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન જ્યારે બીજાના આંતરિક મામલામાં ધ્યાન આપી રહ્યું છે ત્યારે તેમણે પોતાના દેશમાં થઈ રહેલ માનવઅધિકારનાં ઉલ્લઘંન પર પહેલા ધ્યાન દેવાની જરૂર છે. પાકિસ્તાનને મુંબઈ હુમલા વિશે જણાવતા પેટલ ગહલોતે કહ્યું હતું કે મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પર કડક કાર્યવાહી થવી જોઈએ. જેના પીડિતો 15 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોનો ગઢ રહેલું છે. જેમણે પાકિસ્તાનને આતંકવાદીઓનું સુરક્ષિત સ્વર્ગ બનાવ્યું છે.
પાકિસ્તાન માનવઅધિકાર ઉલ્લંઘનમાં સૌથી ખરાબ દેશ ?
પાકિસ્તાનમાં માનવધિકાર ઉલ્લંઘનનો રેકોર્ડ સૌથી ખરાબ હોવાની વાત કરતાં પેટલ ગહલોતે કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી લોકશાહી પર આંગણી ઉઠાવવાનો કોઈને અધિકાર નથી. સયુક્ત રાષ્ટ્ર સંઘનો પાકિસ્તાન વારંવાર દૂરઉપયોગ કરી ચૂક્યું છે. પાકિસ્તાન આ વૈશ્વિક મંચનો વારંવાર ભારતનાં વિરૂધ્ધમાં દુરઉપયોગ કરી ચૂક્યું છે. વારંવાર ભારતનાં વિરૂધ્ધમાં પાયા વિહોણા આરોપો પાકિસ્તાન મૂકી ચૂક્યું છે કારણ કે પાકિસ્તાનમાં થનાર માનવ અધિકારોનાં ઉલ્લઘંન પર વિશ્વની નજર ન પહોંચે. આ મામલે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહેલો છે.