રાજકોટમાં પ્રથમ વખત યોજાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, ભારત-આયર્લેન્ડ વચ્ચે 3 ODI
રાજકોટ, 14 નવેમ્બર : રાજકોટના નિરંજન શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી જાન્યુઆરી 2025માં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 વનડે મેચની સીરીઝ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આગામી 2025ના જાન્યુઆરી મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ક્રિકેટનો ભરપૂર ડોઝ મળવાનો છે. બીસીસીઆઈ દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત પ્રમાણે ૨૮ જાન્યુઆરીએ નિરંજન શાહ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડની પુરુષ ટીમ વચ્ચે T20 મુકાબલો રમાશે. દરમિયાન મંગળવારે મોડીસાંજે કરાયેલી જાહેરાત પ્રમાણે જાન્યુઆરીમાં જ રાજકોટમાં ભારત-આયર્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે.આ અંગેની સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરી દેવામાં આવી હતી.
આ સાથે જ રાજકોટમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની કોઈ મેચ રમાશે. ભારત-આયર્લેન્ડના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી પ્રથમ વન-ડે રમાશે. આ પછી 12 જાન્યુઆરીને રવિવારે સવારે 11 વાગ્યાથી બીજો વન-ડે અને 15 જાન્યુઆરીએ એટલે કે મકરસંક્રાંતિના બીજા દિવસે બુધવારે સવારે 11 વાગ્યાથી ત્રીજો વન-ડે મુકાબલો રમાશે.
આ પણ વાંચો :- ISRO પર ખર્ચવામાં આવેલ 1 રૂપિયાનું અઢી ગણું વળતર મળ્યું, એસ સોમનાથે હિસાબ આપ્યો