દેશની પ્રથમ ઘટના : ધાનેરાના સોતવાડામાં એમ્બ્રિયો ટ્રાન્સફર થકી પ્રથમ કાંકરેજ વાછરડાનો થયો જન્મ
પાલનપુર: બનાસકાંઠાની ધરોહર સમાન કાંકરેજ ગૌવંશ સુધારણા માટે ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં બનાસડેરી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર એન.ડી.ડી.બી ના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આજે આ ટેક્નોલોજીમાં બનાસડેરીને પ્રથમ સફળતા મળી છે.
કાંકરેજ બ્રીડમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીમાં બનાસડેરીને મળી પ્રથમ સફળતા
ધાનેરા તાલુકાના સોતવાડા ગામે એમ્બ્રિયો ટ્રાન્સફર થકી પ્રથમ કાંકરેજ વાછરડાનો થયો જન્મ. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીમાં સફળતા મળવી એ બનાસડેરી સાથે લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલન વ્યવસાયમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવીને આ વ્યવસાયને વિકસાવવામાં આવી રહ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. કાંકરેજ ગાયની ઉત્કૃષ્ટ ઓલાદોમાં વધારો થાય અને પશુપાલકો પશુદીઠ વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિકરીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૨૧ માં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં ખેડૂતના ધરે ૨૫ લીટરથી વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ એકઠા કરીને તેને ૨૫ લિટરથી વધુ દૈનિક દૂધ આપતી ગાયના સાંઢના બીજથી એનડીડીબી ની લેબોરેટરીમાં ગર્ભ બનાવીને એચ એફ ગાયમાં ૯ મહિના પહેલા ટ્રાન્સફર કરીને તંદુરસ્ત કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસડેરીને મોટી સફળતા મળી છે.
જો વાછરડાની જગ્યાએ વાછરડી જન્મી હોત તો તે જ્યારે પણ દૂધ આપતી ત્યારે તે ૨૦ થી ૨૫ લિટર દૂધ આપતી કાંકરેજ ગાય બનતી. હવે આ વાછરડો જયારે મોટો થશે ત્યારે યોગ્ય પરીક્ષણ કરીને તેના બીજદાનના ડોઝ બનાવવામાં આવશે. જેના થકી પેદા થતું ગૌવંશ વધુ દૂધ આપતું થશે.
બ્રીડ અપગ્રેડેશન ક્ષેત્રે થતી મહત્વપૂર્ણ કામગીરી
આ એમ્બ્રિયો ટ્રાન્સફની વાત કરવામાં આવે તો ભારત દેશમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કોઈપણ સંસ્થા અથવા તો કોમર્શિયલ ફાર્મમાં કરવામાં આવ્યો હોય તેવું તો જોવા મળેલ છે, પરંતુ કાંકરેજ એમ્બ્રિયો ટ્રાન્સફર અને તે પણ ખેડૂતના ફાર્મ ઉપર કરવામાં આવેલ હોય અને તેના દ્વારા બચ્ચાનો જન્મ થયો હોય એ ભારત દેશની પ્રથમ ઘટના બનાસડેરીમાં બની છે, જે ના માત્ર ખેડૂતો કે પશુપાલકો માટે, પરંતુ દેશ અને પશુપાલન ક્ષેત્રે ગર્વની વાત છે. આ હકારાત્મક પરિણામ પછી એ વાત તો નક્કી છે કે આગામી સમયમાં બનાસડેરી આ ટેકનોલોજી થકી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયોની નવીન પેઢી મેળવશે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થતી કામગીરી
પશુપાલન વ્યવસાયમાં ઝડપી પ્રગતિ અને પશુદીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે ચેરમેન શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરીએ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો અમલ શરુ કર્યો છે. આજે બનાસડેરીએ પોતાના નવા નવા સહકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે.