ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રથમ દિવસ, જાણો આખા દિવસની ગતિવિધિઓ

અમદાવાદ ખાતે આજથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ગઈકાલે મહંત સ્વામીની ઉપસ્થિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો જાહેર જનતા માટે આજે પ્રથમ દિવસ છે. જેને નિહાળવા માટે હજારોની જનમેદની નગર ખાતે ઉમટી પડી છે. ત્યારે આ કાર્યક્રમમાં આજે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ દેશના અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન અહીં આ તમામ લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન યોજાયું હતું.

પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન માનવ ઉત્થાનને સમર્પિત કર્યું

આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. વર્તમાન કાળે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતા પણ વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

પ્રમુખ સ્વામી મહારાજે અઢી લાખ કરતા વધુ ઘરોમાં કરી હતી પધરામણી

વધુમાં આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,50,000 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,50,000 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે. આ સભાનો આરંભ ભગવાનના નામસ્મરણ સાથે થયો હતો. ત્યારબાદ BAPS સંસ્થાના વરિષ્ઠ સંત આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડોક્ટર સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના માનવ ઉત્કર્ષના ભગીરથ કાર્યો અને માનવ ઉત્કર્ષ માટે આધ્યાત્મિક માર્ગદર્શકની ભૂમિકા અને અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને દર્શાવતાં પરિચય વિડિયો બાદ સર્વે અગ્રણી ઉદ્યોગપતિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે કોણ કોણ રહ્યું ઉપસ્થિત ?

આજના આ સંમેલનમાં ઓદ્યોગિક ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા પરિમલ નથવાણી, GMR ગ્રૂપના ચેરમેન જી. એમ. રાવ, ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજભાઈ પટેલ, ટોરન્ટ ગ્રૂપના સુધીર મેહતા, સન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હીરો ઇલેક્ટ્રિક અને હીરો એક્ષ્પોર્ટસના ચેરમેન વિજય મુંજાલ પણ ઉપસ્થિત હતા. આજે કદાચ આવો પહલો અવસર હતો કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ આટલી મોટી સંખ્યામાં એક સાથે હાજર રહ્યા હતા.

અમિત શાહે પ્રમુખ સ્વામી મહારાજને આપી અંજલી

ત્યાર બાદ યુવા વૃંદ દ્વારા રાજસ્થાનનું સુપ્રસિદ્ધ ‘તેરા તાલી’ નૃત્યની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો, ગૃહમંત્રી અમિત શાહ અને સર્વે અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા માનવ ઉત્કર્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત બાદ BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય જીવનને કાર્યને અંજલિ આપી હતી.

કાલે શું કાર્યક્રમ યોજાશે ?

આ જન્મ શતાબ્દી મહોત્સવમાં આવતીકાલે ‘Culture Day: Celebrating Indian Culture’ એટલે કે ‘સંસ્કૃતિ દિન’ ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે શાશ્વત ભારતીય મૂલ્યોના પ્રસારણ માટે કરેલાં અભૂતપૂર્વ યુગકાર્યોની ઝાંખી કરાવતાં રોચક કાર્યક્રમો પ્રસ્તુત થશે. આ કાર્યક્રમમાં હજારો અનુયાયીઓ તથા નગરજનો ઉપસ્થિત રહેશે.

 

Back to top button